મોંઘવારીના મહાયુદ્ધમાં સરકાર થકી લોકો રામ ભરોસે!
કેન્દ્ર સરકાર મોંઘવારીના યુદ્ધમાં અનાથ બનેલી જનતા સામે પાંચ વર્ષ સુધી સત્તામાં ટકી શકશે...
કેન્દ્ર સરકારે કિરીટ પારેખ સમિતિની ભલામણો સ્વીકારીને પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને રાંધણ ગેસના ભાવમાં વધારો કરીને લોકોને મોંઘવારીમાં રામ ભરોસે મૂક્યા છે. થોડા દિવસો પહેલા દિલ્હી-મુંબઈમાં સીએનજીમાં પાંચ રૂપિયા જેટલો વધારો કર્યો છે. તેના કારણે દિલ્હી અને મુંબઈમાં રીક્ષા અને ટેક્સીના ભાડા વધી ગયા છે. તો આજે અધિકાર પ્રાપ્ત મંત્રી સમૂહે પેટ્રોલના ભાવમાં 3.73 રૂપિયા, ડીઝલના ભાવમાં 2 રૂપિયા અને કેરોસિનના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લિટરે વધ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે ગેસના સિલિન્ડર દીઠ 35 રૂપિયાનો વધારો કર્યો છે. સાથે પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલની કિંમતોને સરકારી નિયંત્રણોથી મુક્ત કરી છે. હવેથી પેટ્રોલની રિફાયનરી અને રિટેલ એમ બંને જગ્યાએ કિંમત બજાર નક્કી કરશે. આ તમામ કિંમતો આજ રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે.
યુપીએ સરકારના બીજા કાર્યકાળને પ્રથમ વર્ષ પૂર્ણ થયું ત્યારે રિપોર્ટ કાર્ડ રજૂ કરતી વખતે અર્થશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠિત ડો. મનમોહન સિંહે દેશમાં મોંઘવારી ડિસેમ્બર સુધીમાં કાબૂમાં આવી જશે, તેવી આશા વ્યક્ત કરી હતી. પરંતુ પેટ્રોલ-ડીઝલમાં વારંવારના ભાવવધારાએ લોકોની હાલત મોંઘવારીના ચક્રવ્યૂહના સાતમા કોઠામાં ફસાયેલા અભિમન્યુ જેવી કરી નાખી છે. સરકારના ઠાલા આશ્વાસનો અને મોંઘવારી મુદ્દે વિપક્ષના દેખાડા માટે કરતાં પરિણામ વગરના તથાકથિત આંદોલનો અને રેલીઓથી કોઈ અર્થ સર્યો નથી.
બજેટ સત્રમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે દબાણ કરવા છતાં સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડયા ન હતા. લોકસભામાં ભાજપ, ડાબેરીઓ અને વિપક્ષના ત્રણ-ત્રણ કાપ પ્રસ્તાવો ઢળી પડયા હતા. લાલુ અને મુલાયમ તથા માયાવતીએ મોંઘવારી માટે યુપીએ સરકારને જવાબદાર ઠેરવી હતી. પરંતુ માયાવતીએ સરકારને ટેકો આપ્યો હતો અને લાલુ તથા મુલાયમ કાપ પ્રસ્તાવ પર મતદાનથી અળગા રહ્યાં હતા.
આટલી બધી મોંઘવારીથી રાજકારણીના પેટના પાણી હાલતા નથી અને લોકોના પેટમાં પૂરતાં અનાજ-પાણી પહોંચતા નથી. પરિસ્થિતિ દિવસેને દિવસે કપરી બની રહી છે. ત્યારે અધૂરામાં પૂરો અર્થવ્યવસ્થાની ધોરીનસ સમાન પેટ્રોલિયમ પેદાશો પરનો ભાવવધારોથી જીવનજરૂરિયાતની વસ્તુ લોકોની પહોંચથી વધુ દૂર થશે.
પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધશે અને તેના કારણે જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે. કેરોસિન અને રાંધણ ગેસના ભાવવધારાએ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે જીવવું દુભર બનાવ્યું છે. તેમના ઘરમાં ચૂલો સળગાવાનો ખરચ વધી ગયો છે. કેરોસિન અને એલપીજી પર સબસિડી ચાલુ રહેશે, પરંતુ તેમ છતાં ભાવવધારો તો સરકારે કર્યો છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલ પર સબસિડી ખતમ કરી છે. તો પેટ્રોલની કિંમતો પરથી સરકારી નિયંત્રણો દૂર કર્યા છે. ત્યારે લોકોને ડર છે કે સરકારી નિયંત્રણ ખતમ થવાથી પેટ્રોલના ભાવ વધીને આસમાને પહોંચવાની શક્યાતાઓ દેખાય છે. જો કે સરકારે આશ્વાસન આપ્યું છે કે જરૂર પડશે ત્યારે તેઓ આ અનિયંત્રિત થયેલા ભાવવધારા સંદર્ભે હસ્તક્ષેપ કરશે.
જો કે સરકારના આ નિર્ણયથી ફૂગાવાનો દર વધારે ઉપર જશે. થોક મૂલ્ય સૂચકાંક પર આધારીત સકળ મુદ્રાસ્ફીતી દર પહેલા જ ઘણો ઉંચો પહોંચી ગયો છે. મે માસમાં મુદ્રાસ્ફીતીનો દર 10.16 ટકા રહ્યો છે. જ્યારે માર્ચ-2010ના સંશોધિત આંકડામાં તે 11 ટકા ઉપર નીકળી ગયો છે.
આંતરરાષ્ટ્રીય પડતર કિંમતથી ઓછી કિંમત પર પેટ્રોલિયમ પદાર્થોના વેચાણથી સરકારી તેલ કંપનીઓને રોજ 215 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલની હાલની કિંમતો પર કંપનીઓને 3.73 રૂપિયા નુકસાન ઉઠાવવું પડતું હતું. જ્યારે ડીઝલના વેચાણ પર 3.80 રૂપિયા પ્રતિ લિટર નુકસાન થતું હતું. ઘરેલુ એલપીજી સિલેન્ડરમાં કંપનીઓને 261.90 રૂપિયાનું ભારે નુકસાન વેઠવું પડે છે, જ્યારે રેશનિંગની દુકાનો પર વેચવામાં આવતા કેરોસિન પર પ્રતિ લિટરને 18.82 રૂપિયાની ઓછી વસૂલી થઈ રહી છે.
તો અત્રે જોવાનું એ રસપ્રદ છે કે ભારતીય બંધારણ પ્રમાણે, પોતાને સમાજવાદી ગણાવતી સરકારે જનહિતની પોતાની નીતિ કેવી રીતે છોડી દીધી? લોકોના હિત કરતાં સરકારને તેલ કંપનીઓનું હિત વધારે સારું લાગ્યું? સમાજ પર વિપરીત અસર કરનારા લોકોના જીવને કઠિન બનાવનારા આવા નિર્ણય કરવાથી સરકાર કોનો ફાયદો જઈ રહી છે? સમાજવાદી મૂલ્યો પ્રમાણે, સમાજની જરૂરિયાતો સુચારુંરૂપે પૂરી કરવી સરકારની પ્રાથમિક ફરજ છે, પરંતુ સમાજની જીવનજરૂરિયાતની વસ્તુઓ જ તેનાથી દૂર જઈ રહી છે, ત્યારે તે મોંઘવારીના મહાભારતમાં અનાથ જ દેખાય રહ્યો છે.
મંત્રી સમૂહની બેઠકમાં રેલવે મંત્રી મમતા બેનર્જી સામેલ થયા ન હતા. તેમણે પેટ્રોલિયમ પદાર્થોની કિંમતમાં વધારાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે આ ભાવવધારો સામાન્ય જનતાના હિતોની વિપરીત છે. તેમણે કહ્યું હતું કે તેમનો પક્ષ આ ભાવવધારાની વિરુદ્ધ છે, પરંતુ તે મોટી પાર્ટી છે. તેમની પાસે બહુમત છે. તેઓ યુપીએ સાથે છે, પરંતુ ખુશ નથી. તેમણે ઉમેર્યું હતું કે તેમણે સરકારને પોતાનો અભિપ્રાય જણાવી દીધો છે. તેઓ ફરી એક વાર પોતાનો મત બતાવી દેશે, તેમ પણ તેમણે કહ્યું છે.
ભાજપે સરકારના નિર્ણયની ભર્ત્સના કરી છે અને તેના વિરુદ્ધ દેશભરમાં આંદોલન છેડવાની ઘોષણા કરી છે. તેમણે સરકારના આ પગલાંને દેશની જનતા સાથે અન્યાય ગણાવ્યો છે.
બધું જ રાજકીય પક્ષો પોતપોતાની રાજકીય મજબૂરીઓને કારણે કરતાં હોય તેમ લાગે છે. જનતા અને તેના વોટ તેમની મજબૂરી હવે રહ્યાં હોય તેવું ખાસ લાગતું નથી. જનતાને રાજકીય પક્ષો ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ ગણીને વરતી રહ્યાં છે. વળી જનતાને પણ આ રાજકીય પક્ષોમાંથી પોતાનો વિકલ્પ પસંદ કરવાનો છે. ત્યારે દરેક પક્ષ પોતપોતાની રાજકીય સ્ક્રીપ્ટ પ્રમાણે નિવેદનો કરી રહ્યો છે. સરકારને પણ ખબર છે કે વિરોધ કરનારાઓમાં કોઈ સચ્ચાઈ નથી, તેના કારણે જનતાને જોડીને તેઓ કોઈ આંદોલન ઉભું કરી શકવાના નથી. તેના કારણે સરકાર પણ કમરતોડ મોંઘવારી છતાં પેટ્રોલિયમ પદાર્થોમાં ભાવવધારો કરવાની હિંમત કરી શકી છે.
યુપીએ સરકારે મોંઘવારીના મહાભારતમાં લોકોને રામભરોસે મૂક્યા છે. કારણ કે અત્યારે તો તેમને લોકસભાની ચૂંટણી જીતવાની નથી કે તેમની સરકાર વાળા મોટા રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ જીતવાની નથી. ત્યારે લોકસભાની 2009ની ચૂંટણી પહેલા પેટ્રોલના ભાવમાં ઘટાડો કરનાર સરકાર પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં વધારો કરવાની હિંમત કેમ ન કરી શકે? કારણ કે તેમને વિશ્વાસ છે કે એકતા વગરના વિપક્ષ અને મોંઘવારીના યુદ્ધમાં અનાથ બનેલી જનતા સામે તેઓ પાંચ વર્ષ સુધી સત્તામાં ટકી શકશે.
વાચક મિત્રો તમને શું લાગે છે, મોંઘવારી નાથવાના મોરચે નિષ્ફળ જઈ રહેલી સરકારને લગામ કસવા માટે જનતા રસ્તા પર આવશે કે વિપક્ષ પોતાની ભૂમિકા પ્રામાણિકતાથી નિભાવશે? તમારા પ્રતિભાવો અમને જરૂરથી લખી મોકલો......
'આતંકવાદનો એકજૂથ થઇને સામનો કરો'
ચિદમ્બરમે જણાવ્યું હતું કે વધતી જતી આતંકવાદી ઘટનાઓએ શાંતિ અને સુરક્ષાની સાથે સાથે આર્થિક વિકાસની સામે પણ એક મોટી મુશ્કેલી પેદા કરી નાંખી છે. દક્ષિણ એશિયાના વિસ્તારોમાં હાલત ખુબ જ ગંભીર છે. આ મુશ્કેલીઓનો સામનો કરવા માટે તમામ દેશોએ ભેગા મળીને આતંકવાદનો સામનો કરવાની જરૂર છે. શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, અફઘાનિસ્તાન, માલદીવ અને પાકિસ્તાનના ગૃહમંત્રીને કરવામાં આવેલા સંબોધનમાં ચિદમ્બરમે પોતાની વાત રજૂ કરી હતી.
ચિદમ્બરમે જણાવ્યું કે આ ક્ષેત્રોમાં ત્યારે જ શાંતિ સ્થપાશે, જ્યારે બધા જ દેશો સૌથી વધારે સહકારથી કામ કરશે. ચિદમ્બરમે જણાવ્યું કે સંભવિત આતંકવાદ સામે લડવા માટે એક સાથે મળીને કાર્યવાહી કરવી જોઇએ. સમ્મેલનમાં આતંકવાદના મુકાબલા માટે પોલીસ સહયોગ વધારવાની વાત થઇ હતી. આ સાથે જ સાર્ક દેશોના ચાર્ટર અંતર્ગત સમુદ્રી સુરક્ષા અને એન્ટી પાઇરસી ઓપરેશન પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ચિદમ્બરમે પોતાના ભાષણમાં પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન મલિકે મુમ્બઇ અને 9/11 જેવા મુદ્દાઓ ઉઠાવવા માટે તેમની સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઇસ્લામાબાદમાં ચિદમ્બરમે પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ચિદમ્બરમે તેમને મુમ્બઇના હુમલાખોરોને સજા અપાવવા અને પાકિસ્તાની જમીનનો ઉપયોગ આતંકવાદી ગતિવિધીઓ કરવા સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
પાકિસ્તાનમાં તિરંગાનું અપમાન થયું
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા અને વિશ્વાસ બહાલીની કવાયત રૂપે વિદેશ સચિવ સ્તરની વાતચીત દિલ્હી અને ઈસ્લામાબાદમાં યોજાય છે. તો ભારતના ગૃહ મંત્રી ઈસ્લામાબાદ સાર્ક દેશોના સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ત્યાં તેમણે પાકિસ્તાનના ગૃહ મંત્રી રહમાન મલિક સાથે પણ મુલાકાત કરી છે. જુલાઈ માસમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક થવાની છે. ત્યારે પાકિસ્તાન ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તેવી તકેદારી કેમ રાખતું નથી અને ભારતનું અપમાન શા માટે કરે છે?
ભારતનો રાષ્ટ્રધ્વજ કેસરી, સફેદ અને લીલા રંગ અને વચ્ચે અશોક ચક્રથી બનેલો છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગ કે જે શૌર્યનું પ્રતિક છે. જ્યારે વચ્ચે સફેદ રંગ કે જે શાંતિનું પ્રતિક છે અને સૌથી નીચે લીલો રંગ કે જે ભારતની હરિયાળી અને ખુશહાલીનું પ્રતિક છે. જ્યારે રાષ્ટ્રધ્વજમાં વચ્ચે અશોક ચક્ર હોય છે. પરંતુ પાકિસ્તાનને ભારતના તિરંગાને ઉલ્ટો લગાવવા સંદર્ભે સરકારે સ્પષ્ટીકરણ અવશ્ય માગવું જોઈએ કે તેમના દ્વારા આવું ક્યાં સંદર્ભે કરવામાં આવે છે?