Saturday, June 26, 2010

ક્યારે, કેવું દેખાવું જોઇએ તે પણ એક કળા છે

સમાજમાં કેટલાય લોકો પ્રતિષ્ઠિત, માન્ય અને ખ્યાતનામ હોય છે. ઘરે આવે છે ત્યારે પોતાના મોટાપણાનો દેખાડો કરે છે. અહીંથી જ ઘરના સભ્યો સાથે તેમનો અણબનાવ શરુ થાય છે.

હાલનો સમય વ્યવસાયિકતા અને મેનેજમેન્ટનો સમય છે, આપણે દરેક ક્ષેત્રમાં પરિસ્થિતિઓને અનુરુપ વ્યવહાર કરવો પડે છે, આપણું અલગ-અલગ રુપ બતાવવું પડે છે. કેટલીકવાર આપણે આપણી જાતને પરિસ્થિતિને અનુરુપ નથી પણ બનાવી શકતા, અસફળતાની કથા અહીંથી જ શરુ થઇ જાય છે. આપણી અંદર ઘણી બધી સંભવનાઓ પડેલી હોય તો પણ તેને જરૂર પડે ત્યારે જ પ્રદર્શિત કરો. આ વાતને હુનુમાનજીના જીવનમાંથી શીખી શકાય છે.

વર્તમાન સમયમાં માણસ એ ભૂલી ગયો છે કે ક્યાં મોટું થવું જોઇએ અને ક્યાં નાનું. સમાજમાં કેટલાય લોકો પ્રતિષ્ઠિત, માન્ય અને ખ્યાતનામ હોય છે. ઘરે આવે છે ત્યારે પોતાના મોટાપણાનો દેખાડો કરે છે. અહીંથી જ ઘરના સભ્યો સાથે તેમનો અણબનાવ શરુ થાય છે. ઘરમાં એકબીજા સાથે સમાનતા પૂર્વક વ્યવહાર કરવો જોઇએ. પણ આવા માણસો તો મોટાને મોટા જ રહે છે. ક્યાં મોટા બનવું અને ક્યાં નાના બનીને રહેવું તે એક કળા છે. આપણા હનુમાનજી આ ક્રિયામાં એકદમ દક્ષ છે. સુંદરકાંડના એક પ્રસંગમાંથી આપણને આ અંગેની શીખ મળે છે. 

અશોકવાટિકામાં હનુમાનજી અને સીતાજીની વચ્ચે ચર્ચા ચાલી રહી હોય છે. તેઓ સીતાજીને ધીરજ રાખવાનું જણાવી રહ્યાં હતાં, પણ સીતાજીનો આત્મવિશ્વાસ પરત આવી રહ્યો ન હતો. ત્યારે હનુમાનજીએ કહ્યું કે મા વિશ્વાસ રાખો પ્રભુ શ્રીરામ આવશે અને આપને લઇ જશે. આમ તો હું આપને અહીંથી લઇ જઇ શકું છું, પણ શ્રીરામની આ અંગે આજ્ઞા નથી. તેઓ વાનરોની સાથે આવશે, રાક્ષસોનો નાશ કરશે અને આપને લઇ જશે. ત્યારે સીતાજીએ કહ્યું કે રાક્ષસો બહુ બળવાન છે અને વાનરો આપની જેમ નાના છે. મને સંદેહ છે કે આપ જે કહો છો તે રીતે કાર્ય પાર પડી શકશે! આટલું સાંભળ્યા બદા તુરંત જ હનુમાનજીએ પોતાના શરીરને વિશાળકાય બનાવી દીધું. હવે સીતાજીના મનમાં વિશ્વાસ આવી ગયો હતો. હનુમાનજી તત્કાળ નાના બની ગયા. તેમને લાગ્યું કે ક્યાંક સીતાજી એમ ન સમજી લે કે હું મારા મોટાપણાનું પ્રદર્શન કરું છું. આગળની જ પંક્તિમાં હનુમાનજીએ સ્પષ્ટ કર્યું – 

સુનુ માતા સાખામૃગ નહિં બલ બદ્ધિ બિલાસ|પ્રભુ પ્રતાપ તે ગરુડહિ ખાઇ પરમ લઘુ બ્યાલ||

એટલે કે, માતા સાંભળો, વાનરોમાં અત્યંત બળ અને બુદ્ધિ નથી હોતી. પરંતુ પ્રભુના પ્રતાપે સાવ નાનો સાપ પણ ગરુડને ખાઇ શકે છે. આ રીતે પોતાની મોટાઇ અને શ્રેષ્ઠતાને જેઓ પરમાત્મા સાથે જોડે છે તેમનામાં અહંકાર નથી આવતો.

જીવનને એક ઉત્વસવની જેમ જીવો


ઉત્સવ માણસને દરેક સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે. સહુની સાથે સહુની ઇચ્છાને ધ્યાનમાં રાખીને જીવવું કોઇ પડકારથી કમ નથી, પણ ઉત્સવની વૃત્તિ આવા અનેક પડકારોને સરળ બનાવી દે છે.




આપણા જીવવાની પદ્ધતિમાં ખુશી ઓછી અને નિરાશા વધારે હોય છે. નાની-નાની વાતોને આપણે મોટી બનાવી દઇએ છીએ, જ્યાં ખુશ રહી શકાય છે ત્યાં દુખી થઇ જઇએ છીએ. ખાસ કરીને યુવા પેઢીના મનમાં નિરાશાનો ભાવ ઊંડો હોય છે. જીવવાની રીત બદલો. જીવનને એવી રીતે જીવો કે જાણે કોઇ ઉત્સવ માણી રહ્યા છો. જીવનને એક સારા પ્રસંગની જેમ માણો કારણ કે જીવનની દરેક પળ વિશેષ છે.




વિચાર કરો કે આપણું જીવન કામ છે કે ઉત્સવ છે. આપને ખ્યાલ આવશે કે જીવનનો આનંદ ઉત્સવમાં છે કામમાં નહીં. જે લોકો કર્મને માત્ર કાર્ય તરીકે કરે છે તેઓ એક દિવસ જીવનને તણાવથી ભરપૂર કરી દેશે. જો કર્મને ઉત્સવની જેમ કરવામાં આવે તો ઉત્સાહ-આનંદ જળવાઇ રહેશે. પશુ-પક્ષીઓને જુઓ, તેઓ જે કંઇ પણ કામ કરે છે ઉત્સવની જેમ કરે છે. માત્ર મનુષ્ય જ એવો છે જે પોતાના કર્મને કામની જેમ કરે છે.




હાલમાં ચોતરફ એ બીમારી ફેલાઇ ગઇ છે કે દરેક વ્યક્તિ ઉતાવળમાં છે. ધન અને સફળતા પ્રાપ્તિ માટે પ્રતીક્ષા મૂર્ખતા લાગવા લાગી છે. જે દેશમાં હરિ બોલની ગુંજ હતી ત્યાં હવે હરિ-અપ શબ્દ વારંવાર સંભળાવા લાગ્યો છે. રામના બોલને રન-અપમાં બદલી દેવામાં આવ્યો છે. આવા સમયે આપણા કાર્યને ઉત્સવમાં રૂપાંતરિત કરવું અતિઆવશ્યક છે. જ્યાં વધારે કાર્ય કરવાનો દબાવ છે ત્યાં તણાવ સ્વાભાવિક છે. મીરા ઉત્સવના રુપમાં નાચતી હતી, કૃષ્ણ વાંસળી વગાડતા કે હનુમાન લંકા સળગાવતા હતા દરેક સ્થિતિમાં તેમની અંદર ઉત્સવનો માહોલ રહેતો. ઉત્સવમાં મનુષ્ય સ્વયં પ્રસન્ન રહેવા ઇચ્છે છે અને અન્યોને પણ પ્રસન્ન રાખવાની ઇચ્છા ધરાવે છે.




જ્યારે આપણે ઉત્સવમાં જીવીએ છીએ ત્યારે આપણા લક્ષ્યો એકદમ શુદ્ધ હોય છે. ઉત્સવનો અર્થ જ છે આપણી અંદરની ઉદાસીને દૂર કરવી. ઉત્સવ માણસને દરેક સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે. સહુની સાથે સહુની ઇચ્છાને ધ્યાનમાં રાખીને જીવવું કોઇ પડકારથી કમ નથી, પણ ઉત્સવની વૃત્તિ આવા અનેક પડકારોને સરળ બનાવી દે છે.

પ્રકાશની યાત્રા

ભારત માત્ર જમીનનો એક ખંડ નથી, ન રાજનૈતિક એકમ, ન ઐતિહાસિક હકીકતોનો એક ટુકડો. ભારત એક પ્યાસ છે- સત્યને પામવાની. એટલે જ દુનિયાભરના પ્યાસાઓ ભારતની યાત્રા ખેડે છે. અંતયાત્રા માટેની બહિયાત્રા. - ઓશો

જીવન એક યાત્રા છે - સનાતન યાત્રા. આ યાત્રાનું રહસ્ય એ છે કે એ બે સ્તરે થાય છે- બહિયાત્રા અને અંતયાત્રા. આ બન્ને યાત્રા એકમેકની પૂરક છે. બન્ને યાત્રાથી જ્ઞાન અને અનુભૂતિમાં પરિપક્વતા આવે છે. આ દેશમાં સંન્યાસી માટે હંમેશાં એક સૂત્ર વપરાતું રહ્યું છે. ભ્રમણને લગતું એ સૂત્ર છે- સાધુ તો ચલતા ભલા. સંન્યાસી એ જે સદા ચાલતો રહે, વહેતો રહે, ક્યાંય ઘર ન બનાવે. 

ઘર બનાવ્યું કે એની સાથે પૂરી જાળ આવી, જીવનની જંજાળ આવી. એટલે તથાગત બુદ્ધે પોતાના શિષ્યોને કહ્યું: ચરૈવતિ ચરૈવતિ, ચાલ્યા કરો, ચાલ્યા કરો. ક્યાંય ઊભા રહ્યા તો મોહપાશમાં બંધાઈ જશો અને તમારી સાધના રુંધાઈ જશે. નદીની જેમ આગળ વધતા રહો.

હરમન હેસની નવલકથા સિદ્ધાર્થની વાર્તા ભારે અર્થસભર છે. એનું મુખ્ય પાત્ર જીવનનું રહસ્ય નદીના પ્રવાહ પાસેથી પામે છે. ક્યારેય નદીની ગતિ તેજ હોય, ક્યારેક શાંત, ક્યારેક એ પ્રફુલ્લિત હોય તો ક્યારેક ઉદાસ - નદીની પોતાની ભાવદશાઓ હોય છે. એવું જ આપણા ચિત્તનું છે- ક્યારેક ખુશ તો ક્યારેક ઉદ્વિગ્ન. ક્યારેક એવું દોડે જાણે તોફાન આવ્યું હોય તો ક્યારેક ઠરીને ઊભું રહી જાય. 

વાર્તાનો નાયક સિદ્ધાર્થ કાંઠે બેસીને નદીની આ બધી ભાવદશાઓને જોતો રહે છે. સાથે પોતાના ચિત્તમાં ઊઠતાં તરંગોને પણ નિહાળતો રહે છે અને એક દિવસ એને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હરમન હેસની આ નવલકથામાં ઉપનિષદોનો મૂળ સંદેશ તથા ભગવાન કòષ્ણ તથા બુદ્ધના ઉપદેશનો સાર છે. બધું સાક્ષીભાવે જોવું. અંદર જે કંઈ ચાલી રહ્યું છે એ તો નદીની લહેરો જેવું છે. ઘ્યાન કરી રહેલો સાધક એ લહેરોમાં અટવાતો નથી, તટસ્થ થઈ જાય છે.

આ જાણવા-સમજવા વિશ્વભરના જ્ઞાનપિપાસુ ભારત આવે છે. આવી જ એક અંતયાત્રા માટે તેઓ બહિયાત્રા ખેડે છે. પૃથ્વીના કોઈ પણ ખૂણે જ્યારે પણ કોઈને સત્યની જિજ્ઞાસા થઈ કે પ્યાસ લાગી ત્યારે એણે પોતાની નજર ભારત તરફ દોડાવી છે. સિકંદરના ગુરુ એરિસ્ટોટલે સિકંદરને કહેલું કે ભારતથી પાછો આવ ત્યારે સાથે એક સંન્યાસી લેતો આવજે. સંન્યાસનાં આ અજોડ ફૂલ જે ભારતમાં આદિકાળથી ખીલતાં રહ્યાં છે એ સત્યશોધકોને ભારત તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે.

ઓશો કહે છે: ભારત માત્ર જમીનનો એક ખંડ નથી, ન રાજનૈતિક એકમ, ન ઐતિહાસિક હકીકતોનો એક ટુકડો. ભારત એક પ્યાસ છે- સત્યને પામવાની. જમીન પર ભલે કોઈ ગમે ત્યાં જન્મે, કોઈ પણ દેશમાં, સદીમાં, ભૂતકાળમાં કે ભવિષ્યમાં, અગર ખોજ અંદરની હોય, ભલે ખોજ કરનાર કોઈ પણ હોય, તો એ ભારતનો નિવાસી છે.’આ જ કારણ છે કે ભારતની સરહદો આદિકાળથી સૌને માટે ખુલ્લી રહી છે. 

ઘણા ચોર-લૂંટારા-આક્રમણખોરો પણ આવ્યા. દરવાજો ખુલ્લો હોય તો આ જોખમ રહેવાનું જ. ઘણા વણજોઈતા લોકો પણ ઘૂસી આવ્યા, પરંતુ ભારતે સત્યશોધકો સાથે એમને પણ પોતાનામાં સમાવી લીધા. એટલે બહુ પહેલેથી અહીં વસધૈવ કુટુંબકમ્ (પૂરી વસુંધરા પરમાત્માનો પરિવાર છે) તથા અતિથિ દેવો ભવ:ની ભાવના ભારતીયોના દિલમાં ઠાંસીઠાંસીને ભરેલી હતી. 

એટલે સારાની સાથે ખરાબ આવ્યા તો એમને પણ ભારત પચાવી ગયું. વળી, માતા માટે કોણ સારું ને કોણ ખરાબ! ભારતમાતાએ પોતાને એટલી નબળી ક્યારેય નથી ગણી કે ખરાબથી એ ગભરાઈ જાય. ખરાબને પણ આત્મસાત્ કરીને એ વધુ મજબૂત બની. એટલે જ એક કવિએ ગાયું - કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી.

ઓશો વધુમાં કહે છે: ‘જો ભારત અંધકારમાં ખોવાઈ ગયું તો માનવીનું કોઈ ભવિષ્ય નથી અને જો આપણે ભારતને ફરી એની પાંખો આપીએ, ફરી એનું આકાશ આપીએ, ફરી એની આંખોમાં તારા તરફ ઊડવાની ઇચ્છા ભરી દઈએ તો જેના દિલમાં પ્યાસ છે એમને જ નહીં, એ સિવાય એવા લોકોને પણ આપણે બચાવી લઈશું જે આજે સૂતેલા છે, પરંતુ કાલે જાગી જશે, ઘરે પાછા ફરશે.’

ભારતનું ભાગ્ય મનુષ્યજાતિની નિયતિ છે. ભારત પ્રતીક છે અંતયાત્રાનું. ‘ભા’નો અર્થ છે પ્રકાશ અને ‘રત’ મતલબ લીન. ભારતનો અર્થ છે પ્રકાશની યાત્રામાં લીન. આ પ્રકાશની યાત્રા છે, અસલી તીર્થયાત્રા છે, જેનું સપનું માણસ આદિકાળથી જોતો આવ્યો છે. બધા પ્રજ્ઞાપુરૂષો એ જ સપનાંની વાત કહે છે. ઓશોએ પણ આ જ સપનાની ચર્ચા કરતાં કહ્યું: ‘પૃથ્વીના આ ભાગમાં માણસે ચેતનાના પહેલા કિરણ ઉપરાંત આ સપનાને જોવાનું શરૂ કર્યું. એ સપનાની માળામાં કેટકેટલાં ફૂલ પરોવાયાં- કેટલા બુદ્ધ, કેટલા મહાવીર, કેટલા કબીર, કેટલા નાનક એ સપના ખાતર પોતાના પ્રાણ ન્યોરછાવર કરી ગયા. એ સપનાને હું મારું કઈ રીતે કહી શકું? એ સપનું મનુષ્યનું, મનુષ્યના અંતરાત્માનું છે. એ સપનાને આપણે એક નામ આપી રાખ્યું છે. એ સપનાને આપણે ભારત કહીએ છીએ.’

ભારત છે એક અભીપ્સા, એક પ્યાસ- સત્યને મેળવી લેવાની.એ સત્યને, જે આપણા હૃદયની પ્રત્યેક ધડકનમાં સમાયેલું છે, એ સત્યને, જે આપણી ચેતનાના ઊંડાણમાં સૂતેલું છે, એ સત્ય જે આપણું હોવા છતાં આપણે એને ભૂલી ચૂક્યા છીએ, એ સત્યનું પુન:સ્મરણ, એનો પુનરોચ્ચાર એ જ ભારત છે. ‘અમૃતસ્ય પુત્ર: - એ અમૃતના પુત્રો’ આ ઉદઘોષણા જેણે સાંભળી, કેવળ એ જ ભારતીય નાગરિક છે. ભારતમાં જન્મ લેવાથી કોઈ ભારતીય નાગરિક નથી બની જતું.

પૃથ્વી પર કોઈ ચાહે ગમે ત્યાં જન્મે, પણ એ જો સત્યને શોધતો હોય તો એ ભારતનો નિવાસી છે. મારા માટે ભારત અને અઘ્યાત્મ પર્યાયવાચી છે. ભારત અને સનાતન ધર્મ પર્યાયવાચી છે. એટલે ભારતના પુત્રો ધરતીના ખૂણેખૂણે છે. જે ભારતમાં જન્મ્યા છે, એમને જ્યાં સુધી અમૃતની આ તલાશ પાગલ ન બનાવી દે ત્યાં સુધી એ ભારતીય નાગરિક બનવાને અધિકારી નથી. ભારત એક સનાતન યાત્રા છે, એક અમૃતપંથ છે, જે અનંતથી અનંત સુધી વિસ્તરેલો છે.

ક્ષમા

બેસ્ટ ક્વોલિટીની ચુસ્ત આગ્રહી એવી એક મહિલાએ એવા દુકાનદારને ત્યાંથી સામાન મગાવવાનું શરૂ કર્યું જેનો માલ હંમેશાં બેસ્ટ રહેતો. એટલું જ નહીં, સમયપાલન બાબતે પણ એ એકદમ ચુસ્ત હતો. એક દિવસ પેલી મહિલાને ત્યાં મહેમાનો આવવાના હતા. એ જ દિવસે પેલો દુકાનદાર ન આવ્યો. એણે આખો દિવસ રાહ જોઈ. દુકાનદાર પર એને ખૂબ દાઝ ચડી. બીજા દિવસે એ દેખાયો કે તરત મહિલા વરસી પડી અને ન કહેવા જેવું ઘણું બધું એ બોલી ગઈ. એની આખી વાત શાંતિથી સાંભળી લીધા બાદ દુકાનદારે કહ્યું: ‘મારા કારણે તમને જે તકલીફ થઈ એ બદલ ક્ષમા માગું છું. કાલે મારી માતાનું અવસાન થયું એટલે હું આવી ન શક્યો.’ આ સાંભળ્યા બાદ મહિલા પાસે કહેવા જેવો એક શબ્દ નહોતો.

બોધ: પરિસ્થિતિ હંમેશાં એવી નથી હોતી જેવી આપણે સમજી લેતા હોઈએ છીએ.

વેદ : દુનિયાના સૌથી જૂના પુસ્તકો

ઉપનિષદોનો રચનાકાળ લગભગ 4000 વર્ષ જૂનો છે, આ આધાર પર માનવામાં આવે છે કે વેદોનો રચનાકાળ 5000 વર્ષ કરતા પણ પૂર્વેનો છે.


વેદ દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ ચાર વેદોમાં જીવનના ગૂઢ રહસ્યો છુપાયેલા છે. મૂળરુપે આ ગ્રંથો વિચારોના ગ્રંથ છે. માટે જ તેને આર્ય સંસ્કૃતિના ગ્રંથ ગણવામાં આવે છે. વેદ જ્ઞાનનો ભંડાર છે. વિજ્ઞાન હોય કે ખગોળ શાસ્ત્ર, યજ્ઞવિધિ કે દેવતાઓની સ્તુતિ બધું જ ચાર વેદો(ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ)માં પ્રાપ્ય છે.


વેદનો શાબ્દિક અર્થ છે જ્ઞાન, જાણવું. વેદોને સમગ્ર વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથો ગણવામાં આવે છે. વેદોને શ્રુતિ પણ ગણવામાં આવે છે. શ્રુતિ એટલે સાંભળીને લખાયેલું. માનવામાં આવે છે કે ઋષિમુનિઓએ આ ગ્રંથ બ્રહ્માના મુખેથી સાંભળીને લખ્યા છે. વેદોની ઋચાઓ(મંત્રો)માં અનેક પ્રયોગો અને સૂત્રો છે. ખગોળ, વિજ્ઞાન, આયુર્વેદ, ટેક્નોલોજી જેવા દરેક વિષયોના વિભિન્ન મંત્રો છે. નાસાએ પણ વેદોમાં છુપાયેલા જ્ઞાનને પ્રામાણિત માન્યું છે. ઉપનિષદોનો રચનાકાળ લગભગ 4000 વર્ષ જૂનો છે, આ આધાર પર માનવામાં આવે છે કે વેદોનો રચનાકાળ 5000 વર્ષ કરતા પણ પૂર્વેનો છે.


ઋગ્વેદ : ઋગ્વેદ સહુથી પહેલો વેદ છે. તેમાં ધરતીની ભૌગોલિક સ્થિતિ, દેવતાઓના આહ્વાનના મંત્રો છે. આ વેદમાં 1028 ઋચાઓ(મંત્રો) અને 10 મંડળ(અધ્યાય) છે.


યજુર્વેદ : યજુર્વદમાં યજ્ઞની વિધિઓ અને યજ્ઞોમાં પ્રયોગ કરાય તેવા મંત્રો છે. આ વેદની બે શાખાઓ છે, શુક્લ અને કૃષ્ણ. તેના 40 અધ્યાયોમાં 1975 મંત્રો છે.


સામવેદ : આ વેદમાં ઋગ્વેદની ઋચાઓ(મંત્રો)નું સંગીતમય રૂપ છે. સામવેદમાં મૂળરુપે સંગીતની ઉપાસના છે. તેમાં 1875 મંત્રો છે.


અથર્વવેદ : આ વેદમાં રહસ્યમય વિદ્યાઓના મંત્રો છે. જેમ કે જાદુ, ચમત્કાર, આયુર્વેદ વગેરે. આ વેદ સહુથી મોટો છે. તેના 20 અધ્યાયોમાં 5687 મંત્રો છે.


પહેલા એક જ હતા વેદ :


એવું પ્રચલિત છે કે પહેલા વેદ ચાર ભાગમાં ન હતા. ચારેય વેદ એકમાં જ હતા. વિદ્વાનો માને છે કે મહાભારતકાળ બાદ શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસે(વેદવ્યાસે) તેને ચાર ભાગમાં વહેંચ્યા હતા. તેમના ચાર શિષ્યો જે પોતાના સમયના મહાન સંત હતા તે પૈલ, વૈશ્યંપાયન, જૈમિનિ અને સુમંતુએ તેમની પાસેથી વેદોનું શિક્ષણ મેળવ્યું હતું. અનેક વિદ્વાનોનું માનવું છે કે વેદ બ્રહ્માની માનસપુત્રી ગાયત્રીમાંથી ઉત્પન્ન થયા છે. ગાયત્રી જ આ વેદોની રચનાકાર મનાય છે.

...તો આપનો વિજય નિશ્વિત છે

અંતિમ પ્રયાસ બાકી છે તેવો ભાવ હંમેશા પોતાના મનમાં જાળવી રાખવો જોઇએ. જો આમ થશે તો દરેક ક્ષેત્રમાં આપની જીત થશે.


              ક્યારેક ક્યારેક જીવન એક સ્પર્ધા સમાન લાગવા લાગે છે. દરેક બાજુ  દોડભ મચેલી   છે. ક્યારેક કોઇ આપનાથી આગળ નીકળી રહ્યું છે તો કોઇ આપને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરે છે.  આવામાં મન અશાંત અને નિરાશ થવા લાગે છે. ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે આપ અનેક પ્રયત્નો કરતા હોવ પણ સફળતા ન મળે. આવામાં સહુથી વધુ નિરાશ પોતાની જાતથી જ થવાય છે. આપણને પોતાની ક્ષમતાઓ પર પણ શંકા થવા લાગે છે. જ્યારે આવી પરિસ્થિતિમાં નિરાશા સાંપડે છે ત્યારે મન આકુળ-વ્યાકુળ થઇ જાય છે અને એક અનિચ્છિત બોજ આપણા મન પર હાવી થઇ જાય છે.


આપણું ચિત્ત દુનિયામાં ચોંટતું નથી, પોતાની જાત પ્રત્યે અપરાધ ભાવના ઉદ્ભવે છે. આવી પરિસ્થિતિમાં અનેક લોકો સાથેના સંબંધો તૂટવા લાગે છે, જીવનનો મોહ પણ છૂટી જાય છે. આવા સમયે જો કોઇ વસ્તુ આપણને બળ પુરુ પાડી શકે છે તો તે છે આધ્યાત્મ. જો આપણે આધ્યાત્મમાં વિશ્વાસ રાખીશું તો કદાચ જીવનમાં ફરી ક્યારેય આવી પરિસ્થિતિઓનો સામનો નહીં કરવો પડે. વાલ્મીકિ રામાયણના સુંદરકાંડમાં એક પ્રસંગ આવે છે જે આપણને આત્મબળ અને આધ્યાત્મ બંનેથી પૂર્ણ કરે છે. હનુમાન લંકામાં સીતાની શોધ કરી રહ્યા હતા, બધા ભવનો જોઇ લીધા, બધા માર્ગો ખૂંદી વળ્યા, ખૂણે ખૂણો તપાસી જોયો પણ સીતાનો ક્યાંય પત્તો ન લાગ્યો.


એકવાર રાવણના ખંડમાં સૂતેલી મંદોદરીને જોઇને તેમને તેઓ સીતા હોવાનો ભ્રમ થયો, હનુમાનજી ખુશ થઇ ગયા કે સીતા મળી ગઇ, પણ બાદમાં તેમણે વિચાર કર્યો અને અનુમાન લગાવ્યું કે સીતા આટલી નિશ્વિંતતાથી સૂઇ જાય તેવી સ્ત્રી નથી. જ્યારે તેમને અન્ય કોઇ સ્થળે પણ સીતા ન દેખાઇ ત્યારે તેમના મનમાં વિચાર જન્મ્યો અને તેઓ એમ વિચારીને નિરાશ થઇ ગયા કે ક્યાંક રાક્ષસોએ સીતાને મારી તો નહીં નાંખી હોય ને! તેમણે એક જગ્યા પર બેસીને વિચાર કર્યો કે જો સીતા નહીં મળે તો લંકામાં રહીને જ સમગ્ર જીવન વ્યતિતિ કરી લઇશ.


બસ તેમના મનમાં આ વિચાર આવ્યો અને આધ્યાત્મ જાગ્યો. હનુમાનજીએ બાદમાં વિચાર કર્યો કે જો લંકામાં જ રહેવું હોય તો પછી અંતિમ શ્વાસ સુધી પ્રભુનું કામ શા માટે ન કરું. આમ વિચારતા જ તેમના મનમાં ફરીથી રોમાંચ ભરાઇ ગયો, નિરાશા દૂર થઇ. તેમણે વિચાર કર્યો કે હાર માનતા પહેલા એકવાર ફરીથી સીતાની શોધ કરવી જોઇએ. હવે તોએ ફરીથી અભિયાન પર નીકળી ગયા અને અશોક વાટિકા પહોંચી ગયા. જ્યાં તેમને સીતાના દર્શન થયા. આ પ્રસંગ આપણને શીખવે છે કે અસફળતાને સામે જોઇને જ આપણા મનમાં ઘોર નિરાશાનો વિચાર આવી જાય છે. નબળા લોકો આ નિરાશામાં પોતાની જાતને ડૂબાડી દે છે અને ફરી એકવાર બધું સમાપ્ત થઇ જાય છે. હનુમાન જેવા યોગી પુરુષ આવા સમયે આધ્યાત્મનો માર્ગ અપનાવે છે.


નિરાશા મનમાં હોવી થઇ જાય તે પહેલા જ પોતાની ઇન્દ્રિઓમાં ફરીથી ઉત્સાહ ભરી લઇએ. હાર માન્યા પહેલા એકવાર ફરીથી પ્રયાસ કરવાનો વિચાર કરીએ. આપણે આ વિચારનો ત્યાગ ક્યારેય ન કરવો જોઇએ. અંતિમ પ્રયાસ બાકી છે તેવો ભાવ હંમેશા પોતાના મનમાં જાળવી રાખવો જોઇએ. જો આમ થશે તો દરેક ક્ષેત્રમાં આપની જીત થશે.

વિશ્વાસની મૂડી જાળવી રાખો

                                                                                                                                                       અમલીકરણ થતું નથી અને બધા જ એકબીજા પર દોષારોપણ કરતા રહે છે. આવી સ્થિતિમાં ભરપૂર વિશ્વાસ જોઇએ. પરંતુ આવો વિશ્વાસ પેદા કરવા શું કરવું? એક વખત તૂટી ગયેલા વિશ્વાસને કઇ રીતે પુનર્જીવિત કરવો? અહીં આપેલા કેટલાક ઉપાયો અજમાવી શકાય...



કોઇ એક જ વ્યક્તિ પર બધી જ જવાબદારીઓ ઢોળી દેવા કરતાં તેને અનુરૂપ કામ આપો. તમને તેનામાં વિશ્વાસ છે એવી પ્રતીતિ થવા દો! - બુકર ટી. વોશિંગ્ટન




વચન પાળતાં શીખો: પૂરું ન થાય એવું વચન ન આપો અને એક વખત આપ્યા બાદ કોઇ પણ સંજોગોમાં પાળી બતાવો. આપણે ભાગે આવેલું કામ સમયસર પૂરું કરો. વારંવાર વચનભંગ કરવાથી વિશ્વાસ તો તૂટે જ છે, પરંતુ ટીમનું સ્તર પણ નીચું જાય છે.


તમારાં સૂચનો અસરકારક હોવાં જોઇએ: સતત ક્ષુલ્લક અને નકામાં સૂચનો કર્યા કરવાથી લોકો આપણી તરફ ઘ્યાન આપવાનું બંધ કરી દે છે. તમારાં સૂચનો નવીન અને એકદમ તાજાં હોવાં જોઇએ.


તમારું કામ નિપુણતાથી કરો: લોકોને તમે શું કરી શકો છો તેમાં નહીં, બલકે શું કર્યું છે તેમાં રસ પડે છે. તમારા ભાગે આવેલું કામ અસરકારક રીતે પૂરું કરો, તેનું યોગ્ય પ્રેઝન્ટેશન કરો અને કુશળતાથી મીટિંગોનું સંચાલન પણ કરો. આનાથી તમારામાં નેતૃત્વના ગુણો પણ ખીલશે.


અન્ય લોકોમાં રસ લો: અંગ્રેજીમાં એક કહેવત છે: There is no ‘I’ in word ‘Team’. અર્થાત્ ટીમમાં ‘I’ ઇગો - અહમ્, સ્વાર્થને કોઇ સ્થાન ન હોવું જોઇએ. બીજા સભ્યોમાં રસ લો. તેમની વાતો રસપૂર્વક સાંભળો, દોસ્તી બનાવો.


અન્યોના નિર્ણયમાં સાથ આપો: બુદ્ધિગમ્ય અને સંતુલિત નિર્ણય લેનારા લોકોના મનમાં વસી જાય છે. બીજા કોઇનો નિર્ણય યોગ્ય લાગે, સુસંગત લાગે તો સ્વીકારતાં અચકાશો નહીં. આની સામે તમારો દ્રષ્ટિકોણ પણ પરિસ્થિતિને અનુસાર ન હોય તો ત્યજી દો.


અવિશ્વાસનું મૂળ શોધી કાઢો: ટીમમાં અવિશ્વાસનું નિંદામણ ફૂટી નીકળે તો તેનું મૂળ શોધીને ખેંચી કાઢો. આ સર્વપક્ષીય કાર્ય છે અને વિશ્વાસ પુન: બહાલ કરવા આવશ્યક છે.


વિવાદ ઉકેલતા રહો: વાતચીત દ્વારા વિવાદો ઉકેલતા રહો. ટીમમાં મતભેદ ચાલે, મનભેદ નહીં. એ વિશ્વાસ તોડી નાખે છે.


ક્યાંય વિશ્વાસની ઝલક દેખાય તો તેની પ્રશસ્તિ કરો: ટીમમાં સભ્યો એકબીજા પર ગાઢ વિશ્વાસ મૂકતા થાય તો જાહેરમાં તેની સરાહના કરો, તેને ઊજવો.