jeevan

તમારા જીવનનો હેતુ શોધી લો

 
 

 
ઈતિહાસ કહે છે કે, આદિમાનવ ગુફામાં રહેતો હતો. શિકાર કરીને કાચું માંસ ખાતો હતો અને પાંદડાં વીંટાળીને ફરતો હતો. આજનો મનુષ્ય અમદાવાદમાં સવારે પોતાના બંગલામાં નાસ્તો કરે છે. ફ્લાઇટમાં બોમ્બે જઇને બપોરે બિઝનેસ લંચ લે છે અને ત્યાંથી ફ્લાઇટ પકડીને લંડન જાય છે. લંડનમાં ડિનર લઇને સૂઇ જાય છે. સવારે ઊઠીને બ્રેકફાસ્ટ કરી અમેરિકાની ફ્લાઇટ પકડે છે અને ન્યૂ યોર્કમાં તેના બિઝનેસ પાર્ટનર સાથે લંચ લે છે.

કેટલો બધો તફાવત છે, આદિમાનવ અને આધુનિક માનવની જિંદગીમાં! આ માટે ઈશ્વરે માત્ર માણસજાતને જ એક ભેટ આપી છે, આગળ વધવાની અદમ્ય ઇચ્છા. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરતાં ભરતાં એક છોકરાને પેટ્રોલિયમ રિફાઇનરી નાખવાની ઇચ્છા થઇ અને આ જ ઇચ્છાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જન્મ આપ્યો.

મિત્રો, આ ઇચ્છા ભગવાને દરેકને આપી છે, પણ અમુક લોકો જ આ ઇચ્છાને પેશનની કક્ષાએ પહોંચાડે છે અને તેમની જિંદગીમાં ચમત્કારિક પરિણામ મેળવે છે. બધા જ ઉદ્યોગપતિઓ, ખેલાડીઓ, ફિલ્મસ્ટારો અને નેતાઓ પણ આ આગળ વધવાની ઇચ્છાનું જ પરિણામ છે. જન્મ અને મરણ આપણા કંટ્રોલમાં નથી પણ તેની વચ્ચેના સમયનો કેવી રીતે ઉપયોગ કરવો તે આપણા જ હાથની વાત છે. આ માટે ઈશ્વરે આગળ વધવાની ઇચ્છા નામની ભેટ આપી છે.

હું રાજકોટ પાસેના વાંકાનેર ગામમાં જન્મીને મોટો થયો છું. મારાં માતા-પિતા ગરીબ અને નિરક્ષર હતાં. મચ્છુ નદીના તટના ધગધગતા પથ્થરો ઉપર ઉઘાડા પગે રખડતો હું મોટો થયો છું. એવા સમયે પણ મારી અંદર આગળ વધવાની એક જબરદસ્ત ઇચ્છા હતી. જે ઇચ્છાએ મને ડોક્ટર બનાવ્યો. માઇન્ડ પાવર ટ્રેનર બનાવ્યો અને દુનિયાની બધી જ સુખસાહ્યબી મને આપી. જે વ્યક્તિ અનેક વિટંબણાઓ અને સંઘર્ષો છતાં પણ આ ઇચ્છાને શમવા નથી દેતા તે જ વ્યક્તિ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી શકે છે અને બીજા માનવો માટે ઉદાહરણરૂપ બને છે.

આગળ વધવાની આ ઇચ્છાને જીવતી રાખવી અને હજુ વધારે કેમ પ્રજવલિત કરવી તે પ્રશ્ન તમારા મનમાં મૂંઝવતો હશે. કારણ કે મેં મારા જાહેર જીવનમાં અનેક યુવક-યુવતીઓની અંદર આ ઇચ્છાને બુઝાયેલી જોઇ છે. મિત્રો, દરેક બાળક આ દુનિયામાં સફળ થવા માટે અને આગળ વધવા માટે જન્મ લે છે પણ તેમના ઉછેર દરમિયાન એવું કંઇક બને છે જેનાથી તે પોતાની આવડત ઉપર વિશ્વાસ ગુમાવી બેસે છે અને મનોમન નક્કી કરી લે છે કે મારે આમ જ જીવન પસાર કરવાનું છે અને આમાં હું કશું જ કરી શકું તેમ નથી.

પરિણામે તેઓ આ દુનિયામાં આવે છે, સામાન્ય જિંદગી જીવ્યે જાય છે, તકલીફો વેઠ્યા કરે છે અને એક સામાન્ય માણસની જેમ આ દુનિયામાંથી વિદાય લે છે. મિત્રો, ડો.. કલામથી લઇને અમિતાભ કે સચિન સુધીના સૌએ તેમની શક્તિનો વિશેષ ઉપયોગ જ કર્યો છે. એ જ શક્તિઓ આપણા બધામાં પણ છે.

આજે જ નક્કી કરી લો કે મારે સામાન્ય માણસ તરીકે જિંદગી નથી જીવવી અને સામાન્ય માણસ તરીકે મરવું પણ નથી. મારે જીવનમાં ખૂબ જ આગળ વધવું છે અને એ વધવા માટેની શક્તિ ઈશ્વરે મને આપેલી જ છે. ઈશ્વરે મને ખાસ હેતુ માટે આ પૃથ્વી ઉપર મોકલેલો છે. હું ઈશ્વરનું સર્જન છું અને ઈશ્વર ક્યારેય ફાલતુ વસ્તુ બનાવતા નથી. હું મારી જિંદગીનો હેતુ શોધીને જ રહીશ.

મોહનદાસ કરમચંદ ગાંધી એક સામાન્ય બેરસ્ટિરની જિંદગી જીવતા હતા. અચાનક જ તેમને તેમની જિંદગીનો હેતુ મળી ગયો, જ્યારે તેઓ સાઉથ આફ્રિકામાં ફર્સ્ટ કલાસમાં ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને ગોરા ઓફિસરે તેમને ટ્રેનમાંથી ધક્કો મારી ફેંકી દીધા, ત્યારે જ તેમણે નક્કી કરી લીધું કે જે રીતે તમે મને આ ટ્રેનમાંથી ફેંકી રહ્યા છો તે જ રીતે હું તમારી સરકારને મારા દેશમાંથી ફેંકી દઇશ. બસ, આ હેતુએ જ તેમની અંદર એક જુસ્સો અને ઝનૂન જગાવ્યું અને એ ઝનૂને તેમનામાં આઝાદી મેળવવાના પ્રાણ પૂર્યા અને મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા ગાંધી બનાવી દીધા.

આજથી ૨૦ વર્ષ પહેલાં મારા હાથમાં અચાનક જોસેફ મર્ફી લિખિત ‘પાવર ઓફ યોરસબકોિન્સયસ માઇન્ડ’ નામનું અમેરિકન પુસ્તક આવ્યું. આ પુસ્તકે મારા મનમાં જબરદસ્ત હલચલ મચાવી દીધેલી. આ જ પુસ્તક દ્વારા મને મારી જિંદગીનો હેતુ મળી ગયો. મેં ત્યારે જ નક્કી કરી લીધું કે આ જ્ઞાન હું કરોડો લોકો સુધી પહોંચાડીશ. મારા આ નિર્ણયે જ મને એક સામાન્ય મેડિકલ ડોક્ટરમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો માઇન્ડ પાવર ટ્રેનર બનાવી દીધો અને મારી જિંદગી બદલી નાખી.

મિત્રો, તમે તમારા જીવનનો હેતુ શોધી લેશો એટલે તમારી અંદર પણ આગળ વધવાનું ઝનૂન ઉત્પન્ન થશે, જે તમને સામાન્યમાંથી અસામાન્ય બનાવી દેશે. બસ, જીવનમાં આગળ વધવા માટે આવા એક હકારાત્મક ઝનૂનની જરૂર છે.

લેખક જાણીતા માઇન્ડ પાવર ટ્રેનર છે.

સાચી દિશામાં આગળ વધવું


 
 

 
ગ્રેહામ ગ્રીનનું એક વિધાન મારા હૃદયમાં વસી ગયું છે. એ કહે છે કે, નિષ્ફળતા તો સફળતાનું ડ્રેસ રહિર્સલ છે. આગળ એટલે શું? પાછળ એટલે શું? આ બંને શબ્દોનું કોઈ ચારિત્રય નથી. રામ આગળ વધે અને રાવણ આગળ વધે તેમાં ફેર છે.


રાવણ તો પાછળ હટે તે એને માટે કલ્યાણકારી ગણાય. આમ, આગળ અને પાછળ જેવા શબ્દોમાં સાચી દિશા (directionality)નું મહત્વ છે. જો મારે વડોદરાથી મુંબઈ જવું હોય અને હું અમદાવાદ ભણીની ટ્રેનમાં ચડી બેસું તો મારું આગળ વધવાનું હાસ્યાસ્પદ ગણાય. ટૂંકમાં આગળ વધવામાં ખરું મહત્વ સાચી દિશાનું છે.


સાચી દિશા એટલે શું? માણસનો માંહ્યલો કદી પણ જુઠું બોલતો નથી. એ તો સત્યવાદી હરિશચંદ્ર જેવો હોય છે. ગીતામાં એને ‘ઉપર્દષ્ટા’ કહ્યો છે. ઉપર્દષ્ટા એટલે અમ્પાયર. અમ્પાયર એ છે જે સ્વસ્થ અને તટસ્થ હોય. અમ્પાયર અંદરથી જે સંદેશો મોકલે તે સાચી દિશાનો જ હોય.


પોતાને જે દિશા સાચી લાગે એ દિશામાં ડગલાં માંડવાં એ જ જીવનની ખરી સંપ્રાપ્તિ ગણાય. આ પ્રમાણે ડગલાં માંડવામાં એક મુશ્કેલી જરૂર આવે છે. તમે જ્યારે પણ અંદરના આદેશ મુજબ આગળ વધો ત્યારે ટીકાકારો અચૂક મળી રહે છે. જો ટીકાકાર ચારિત્રયવાન હોય તો ચેતી જવું જોઈએ. જો કોઈ ટીકાકાર ઇર્ષ્યા કે દ્વેષથી પ્રેરાઈને નિંદા કરતો હોય તો નાચવું અને તેની ધરાર ઉપેક્ષા કરવી.


અંગત રાગદ્વેષને કારણે તમારી નિંદા કરનારો માણસ તમારો વગર પગારનો ચોકીદાર છે તેથી એનો દ્વેષ કરવામાં શક્તિ ન બગાડવી. બૌદ્ધ પરંપરામાં ઉપેક્ષાને પારમિતા ગણાવવામાં આવી છે. ઉપેક્ષામાં ઘણી મોટી તાકાત રહેલી હોય છે. પરિણામે તમારી ઘણી શક્તિ બચી જાય છે.


માણસ જેને નિષ્ફળતા ગણે છે તેનો સ્વાદ પણ અનેરો હોય છે. એ કહેવાતી નિષ્ફળતા ભવિષ્યની સફળતાની પ્રસવવેદના હોય છે. અગેઈન, અહીં ગ્રેહામ ગ્રીનની વાત અત્યંત મૂલ્યવાન બની રહે છે. આગળ વધવા ઈચ્છનારો માણસ જો નિષ્ફળતાથી નિરાશ થઈને ઢગલો થઈને બેસી પડે તો એ ભારે ખોટનો ધંધો ગણાય.


માણસે નિષ્ફળતાનો પણ પૂરો લાભ ઉઠાવવો જોઈએ. જો નિષ્ફળતાનો લાભ ઉઠાવવાનું પરાક્રમ થાય તો એક ચમત્કાર સર્જાય છે. એ ચમત્કારને લોકો સફળતા કહે છે.


લેખક પ્રતિષ્ઠિત કટાર લેખક અને ચિંતક છે.


જીવનમાં આગળ વધવા વિશે આપના વિચારો અમને લખી મોકલો:


આગળ વધવા બે ડગલાં વધારે ભરો... 

 
 

 
પારુ જયકૃષ્ણઃ સીએમડી, આશાહી સોંગવોન કલર્સ કંપની

હું છ વર્ષની હતી ત્યારે મેં પિતાની છત્રછાયા ગુમાવી. ત્યારબાદ દસ વર્ષના સમયગાળા દરમિયાન માતાએ મારામાં માનસિક તાકાત, આવડત, સમજણ અને આવી ઘણીઘણી વસ્તુઓ દ્વારા મને માનસિક રીતે એકદમ સ્ટ્રોંગ બનાવી. એ સમયે જીવનમાં કોઇપણ ક્ષેત્રમાં આગળ વધવું એ અમારો નિયમ હતો.

અમે જ્યારે ભણતાં હતાં ત્યારે મેટ્રિક પછી તરત પોતાની પસંદગીના ક્ષેત્રમાં ઝંપલાવવાનું હતું. મારે ડોક્ટર બનવું હતું. તેથી ખૂબ મહેનત કરી ઉચ્ચ ટકાવારી મેળવી, જેથી મને સરળતાથી એડમિશન મળી ગયું. જીવનમાં નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા તરફ આપણે આગળ વધી રહ્યાં હોઇએ અને એમાં સફળતા મળે ત્યારે આપણી ખુશીનો કોઇ પાર રહેતો નથી.

એમ ડોક્ટર બનવાની મારી ઇચ્છા હવે સાકાર થવા જઇ રહી હતી. એથી હું ખુશ હતી. હજુ કોલેજ શરૂ થયાને બે-ત્રણ દિવસ માંડ થયા હતા, ત્યાં જ મને આગળ વધવાનું બળ પૂરું પાડનાર એવી મારી માતાનું અવસાન થયું. બે મોટા ભાઇ અને હું એકની એક બહેન હોવાથી ૧૬ વર્ષની ઉંમરે ઘરની જવાબદારી મારા પર આવી ગઇ, પણ મેં ભણવાનું ન છોડ્યું. ડોક્ટર બનવા સાત વર્ષ સતત મહેનત કરવી પડે તેમ હતી.

મારા માટે એટલો સમય ફાળવવો મુશ્કેલ હતો. તેથી મેં મેડિકલનો અભ્યાસ છોડી લિટરેચર સાથે બી.એ. કર્યું. હું ગુજરાતી માધ્યમમાં ભણી હોવાથી અંગ્રેજી માધ્યમમાં બી.એ. કરવાની ચેલેન્જ ઉપાડી. અંગ્રેજી માધ્યમમાં ભણવું મારે માટે ખૂબ મુશ્કેલ હતું. છતાં ખૂબ મહેનત કરી ડિસ્ટિંક્શન સાથે પાસ થઇ એમ.એ. કર્યું. ત્યારે ભાઇઓએ કહ્યું કે, વકીલાતની ડિગ્રી વિના ભણતર અધૂરું કહેવાય.

બસ, પછી તો લો ભણવાનું શરૂ કર્યું. એ દરમિયાન મારાં લગ્ન થઇ ગયાં. છતાં ભણવાનું ચાલુ રાખ્યું. મને યાદ છે કે, હું ગર્ભવતી હતી, મને પાંચમો મહિનો જતો હતો અને એપ્રિલ મહિનાની આકરી ગરમીમાં હું પરીક્ષા આપવા જતી હતી. ભણતર પૂરું કર્યા પછી સંતાનોના ઉછેરમાં લાગી ગઇ. પરંતુ જીવનમાં આગળ વધવાની, કંઇક કરી છુટવાની તીવ્ર ઇચ્છા હતી. જેને પૂરી કરવા સંતાનો મોટાં થાય તેની રાહ જોતી હતી.

એ જમાનામાં અમદાવાદમાં મિલો ધમધોકાર ચાલતી હતી. પરંતુ સરકારના અમુક વલણને કારણે એકાએક અનેક મિલોને તાળાં લાગી ગયાં હતાં. જેમાં શહેરની પ્રસિદ્ધ એવી અમારી મિલોનો પણ સમાવેશ કરી શકાય. મિલો બંધ થઇ જતાં અમારો ધંધો બંધ થઈ ગયો. આવા કટોકટીના સમયમાં મનમાં કંઇક કરી છુટવાની ઇચ્છા આપોઆપ બહાર આવી. બીજું સંતાનોના ભવિષ્યનો વિચાર પણ કરવાનો હતો.

તેથી હાથ પર હાથ રાખીને બેસી રહેવા કરતાં નાના પાયે કોઇ બિઝનેસ કરવાનું નક્કી કર્યું. ત્યારે બાળકો વિદેશમાં ભણતાં હતાં. હું ચાલીસીને આંબી ચૂકી હતી અને મને ત્યારે બિઝનેસની બારખડી પણ આવડતી ન હતી. કેમકે, હું લિટરેચરની વ્યક્તિ હતી. બીજું, હાથ પર એટલાં નાણાં પણ નહોતાં. પરંતુ મેં મારી સામે આ ચેલેન્જ ખડી કરી અને ઝીલી લીધી. કરેલા પડકારને પહોંચી વળવા શરૂઆતનાં પાંચ વર્ષ ખૂબ જ પરિશ્રમ કરવો પડ્યો.

પરિણામે આજે વીસ વર્ષને અંતે અમારી કંપની રૂ. ૩૦૦ કરોડનું ટર્ન ઓવર કરતી થઇ ગઇ છે. મેં જ્યારે કેમિકલની કંપની શરૂ કરી ત્યારે કંપનીમાં ઉત્પન્ન થતાં માલને એક્સપોર્ટ કરવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં ૮૦ ટકા માલ અમે એક્સપોર્ટ કરતા હતા અને હવે ૧૦૦ ટકા માલ એક્સપોર્ટ કરીએ છીએ. દુનિયાની મોટામાં મોટી ઇંક બનાવતી જાપાનીઝ કંપનીએ અમારી સાથે જોડાણ કર્યું છે.

આટલેથી અટકી જવામાં હું માનતી નથી. હજુ ઘણું આગળ વધવાનું બાકી છે. મારા ધ્યેયની વાત કરું તો ત્રણ ચેલેન્જને પૂરી કરવાની છે. પહેલી, વેપારમાં નવી નવી પ્રોડકટ લોન્ચ કરીને કંપનીના ટર્ન ઓવરને રૂ. ૫૦૦ કરોડ સુધી પહોંચાડવાની છે. બીજી, સ્ત્રીઓ માટે કામ કરતી અમારી ‘જયોતિ સંઘ’ સંસ્થામાં મેં સામાજિક કાર્ય કરવાનું શરૂ કર્યું છે. તેમાં નારીનું ઝડપથી ઉત્થાન અને સશક્તિકરણ કરે એવા પ્રોજેક્ટ કરવાં છે. ત્રીજી, આજના યુગમાં પરિવારો વખિરાઇ રહ્યા છે. જ્યારે અમે કુલ અગિયાર લોકો એક જ છત નીચે સાથે રહીએ છીએ. એ સંપને જાળવી રાખી, બધાને સાથે લઇ આગળ વધવું છે.

અમારા વખતથી જીવનમાં કંઇક અનોખું કરી આગળ વધવાની ભાવના વહેતી મૂકવામાં આવી હતી. તેથી જ અમે આ બધું કરી શક્યાં. તમે પણ સારું કરવા માટે ચેલેન્જ લો, અને એ હું કરી જ શકીશ એવા આત્મવિશ્વાસ સાથે એ દિશામાં મચી પડો. આગળ વધવા માટે જુઠનો સહારો ક્યારેય ન લો. ‘સત્યમેવ જયતે’. સાચું બોલશો તો આગળ વધવામાં તકલીફ નહીં પડે. જુઠું બોલવાથી મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી જશે.

આનંદ અને ઉત્સાહ સાથે કરવામાં આવતા કોઇપણ કામમાં સફળતા જરૂર મળે જ છે. પરંતુ એ માટે તમે જ્યાં છો તેના કરતાં બે ડગલાં આગળ વધવું જ રહ્યું!

No comments:

Post a Comment