ખતરા વિનાનો અખતરો
બસ, આટલું જ. પછી જુઓ મજા!
વાત જાણે એમ છે કે અનેક ભીરુ લોકો પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે જાતજાતની ટ્રિક્સનો આશરો લેતા હોય છે. એમણે એટલું સમજી લેવાની જરૂર છે કે વત્તેઓછે અંશે સૌ કોઈને ડર લાગતો જ હોય છે. શહેનશાહ અકબરને પણ ગરોળીનો ડર લાગી શકે અને છુપાયેલા લાદેનને પણ અમેરિકી મિઝાઈલના હુમલાનો સતત ડર લાગી શકે. ડર માત્ર અવગુણ જ નથી. એ આપણને ખોટાં જોખમ ખેડતા રોકતું કુદરતી મિકેનિઝમ છે.
ફિલ્મનો નીડર હીરો એકલા હાથે ૫૦ને પાડી દે, પણ આપણી સામે ૫૦ ગુંડાનું ટોળું ધસી આવે ત્યારે આપણામાં બહાદૂરી નહીં, ડર જ પ્રગટવાનો. ડર લાગે તો લાગે. એમાં શરમાવાનું શું? આખી દુનિયામાં બધા બહાદૂરો જ પાકે એ જરૂરી નથી. ગલીએ ગલીએ જોગીદાસ ખુમાણો પાકે એ સિચ્યુએશન ઇચ્છનીય પણ નથી અને જોગીદાસ ખુમાણની પોતાની વાત કરીએ તો એ બેઝિકલી જ મરદનું ફાડિયું હતો.
એણે બહાદૂરી કઈ રીતે કેળવવી અને ડર કઈ રીતે ભગાવવો એ વિશેનાં કોઈ પુસ્તકો નહોતાં વાંચ્યાં. જોગીદાસ જોગીદાસ હતા. આપણે આપણે છીએ. જોગીદાસ ખુમાણને કોલ સેન્ટરના બોસ તરીકે નિમ્યા હોય તો કદાચ ન ચાલે. એમને શેરદલાલ બનાવીએ તો કદાચ ન ચાલે. આપણે કદાચ ચાલી જઈએ. ઇતિહાસના જાણીતા બહાદૂરોમાં નહોતી એવી અનેક આવડત અને ખૂબીઓ આપણામાં હોઈ શકે. તો પછી શી જરૂર છે આપણી જાતને ઓછી અને નક્કામી ગણવાની? મનોમન ખુદની ટીકા કરવાની? ગુપ્ત રીતે ગિલ્ટ અનુભવવાની? બહાદૂરીના અનેક પ્રકાર હોય છે.
રણમેદાનમાં લડવું એ એક પ્રકારની બહાદૂરી છે અને અરીસા સામે જોઈને ‘હા, મને ડર લાગે છે’ એવું ગળું ખોંખારીને બોલવું એ બીજા પ્રકારની બહાદૂરી છે. જો આપણે પહેલા પ્રકારની બહાદૂરી ન કેળવી શકીએ તો કમસે કમ બીજા પ્રકારની બહાદૂરી તો કેળવીએ.એનાથી આપણામાં બહાદૂરી આવે કે ન આવે, હૃદયનો ભાર થોડો હળવો ચોક્કસ થશે. અને આમ પણ, કોઈ ખામી દૂર કરવી હોય તો એ ખામીનો સ્પષ્ટ સ્વીકાર એ પહેલું પગલું છે. કમસે કમ આ પગલું તો ભરીએ. શરત ફક્ત એટલી કે એમાં જાતની ટીકા કરવાનો, જાતને ઉતારી પાડવાનો (કે ખામી બદલ ગૌરવ અનુભવવાનો પણ) ભાવ ન હોવો જોઈએ. સ્પષ્ટ, સીધેસીધો, સ્વીકાર... ટ્રાય કરી જુઓ.
કામનો નશો
આમઆદમી હોય કે ઉદ્યોગપતિ, તુંડે - તુંડે મતિભિન્નતા જોવા મળે. ઉદ્યોગપતિઓમાં પણ જુદા - જુદા પ્રકારના સ્વભાવવાળા લોકો હોય છે. કોઇ મિલનસાર હોય તો કોઇ એકાંતપ્રિય, કોઇ ઉડાઉગીર હોય તો કોઇ કંજૂસ, કોઇ મનમોહક હોય તો કોઇ મહાબોર પરંતુ આ બધામાંય એક વાતનું સામ્ય જોવા મળે છે જે ‘સાહેબ’ બનવાની મહત્વાકાંક્ષા માટે અનિવાર્ય હોય છે. બિઝનેસમાં ટોચ પર પહોંચવા માટે કઠોર મહેનતનો કોઇ પર્યાય નથી એ તો પ્રચલિત જ છે. રોજ બાર કલાક ઓફિસમાં કામ, લંચ વખતે પણ બિઝનેસ મિટિંગો, રાતે કે રજાઓમાં પણ કામ, કામ ને કામ... આ છે ઉદ્યોગપતિઓની સામાન્ય દિનચર્યા. સફળતાનું પહેલું સૂત્ર છે પરિશ્રમ.
કામની ધૂન
કેટલાય ઉદ્યોગપતિઓ ખચકાટ વિના કબૂલે છે કે તેમને કામનો નશો છે. અટલાન્ટાના યુવાન ઉદ્યોગપતિ રોબર્ટ એડવર્ડ ટર્નર તૃતીયે ‘પ્લેબોય’ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મેં પરિવારની બધી જરૂરિયાતો પૂરી કરી દીધી છે તોય કમાતો રહું છું. કેમ? કારણ કે આ એક એવી ધૂન છે જે છૂટતી નથી.’ યુનાઇટેડ ટેકનોલોજીસના ચેરમેન હેરી ગ્રેને ભયાનક એક્સિડેન્ટને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડયું. આથી તેમણે તેમના સેક્રેટરીને ફાઇલો લઇને ત્યાં જ બોલાવી લીધો અને મહિનાઓ સુધી બિછાનામાં પડ્યા - પડ્યા કામ કરતા રહ્યા.
રજા કેવી ને વાત કેવી?
આવા ઉદ્યોગપતિઓ એટલી હદે કામગરા હોય છે કે રજાનું નામ પડતાં તેઓ નાકનું ટેરવું ચડાવે છે. અમેરિકન સ્ટાન્ડર્ડ ઇન્કોર્પોરેટેડના અઘ્યક્ષ વિલિયમ માકર્વાર્ડ લાંબી રજાઓને બદલે લાંબા વીક - એન્ડમાં માને છે. તેઓ કહે છે, ‘રજાનો ચોથો દિવસ વીતે ત્યાં તો મને અકળામણ થવા લાગે છે.’ આટલાન્ટાની ફૂકવા ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક જોન બ્રુકસ ફૂકવા એકવાર બે સપ્તાહની રજા માનવવા સ્વિત્ઝરર્લેન્ડ ગયા પણ ત્રણ દિવસ પછી પાછા ઓફિસે પહોંચી ગયા. ‘મહેલ બધા સરખા જ હોય છે.
એક જોઇ લો એટલે સમજો બધા જ જોઇ લીધા.’ અવિરત કામ કરતા રહેવા માટે ઉદ્યોગપતિઓને અસાધારણ ર્જા જોઇએ. ઘણા પ્રતિભાશાળી યુવાન ઉદ્યોગપતિ એટલા માટે સફળ નથી થયા, કારણ કે તેમની કાર્યશૈલી અલગ પ્રકારની હતી. ઝેરોક્સના પીટર મેક્કોલો કહે છે, ‘આ રેસમાં કોણ પાછળ રહી જશે એની તરત જાણ થઇ જાય છે.’ લિટન ઇન્ડસ્ટ્રીઝના ટેક્સ થોનટર્ન પણ આ જ વાત કહે છે, ‘રેસના ઘોડાનો ઉછેર રેસ માટે જ કરવામાં આવે છે. માણસોને પણ આ વાત લાગુ પડે છે. ઉધમ સંસ્કારોમાં હોય છે.’
પ્રેરક સત્તા
સફળ ઉદ્યોગપતિઓને મહેનતની પ્રેરણા ક્યાંથી મળે છે? ધનની એષણા માણસને બિઝનેસ કરવા પ્રેરે છે પણ શિખર સુધી પહોંચવાની પ્રેરણા પૈસો નહીં, સત્તાની લાલસા હોય છે. મોનેસિટો કંપનીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર જોન વેલર હેનલી નાનપણથી જ બીજાઓ પાસે પોતાનું ધાર્યું કામ કરાવી લેવાની પેરવી કરતા રહેતા હતા. શરૂઆતમાં તેઓ સોડાવોટરની દુકાનમાં કામ કરતા ત્યારે પણ તેઓ ગ્રાહકોને મોલ્ટમિશ્રિત મિલ્કશેકમાં ઇંડું નાખીને પીવાનો આગ્રહ કરતા હતા.
ડોનાલ્ડ નેલસન ફ્રાઇ પોતાની મહેનતના જોરે ૪૪મે વર્ષે ફોર્ડ મોટર્સના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા પણ તેમને સંતોષ ન થયો. તેઓ કહેતા, ‘મારે આખો વહીવટ મારી રીતે સંભાળવો છે.’ આથી તેઓ ફોર્ડ છોડીને બેલ એન્ડ હાબેલ કંપનીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર બની ગયા. આ કંપની ફોર્ડની તુલનામાં સાવ તુચ્છ ગણાય પણ એ આખેઆખી તેમને આધીન હતી. સત્તાની સાથે વધતો રૂઆબ ઉદ્યોગપતિઓને શાન વધારનારો લાગે છે. જેટ વિમાન તેમને વિભિન્ના બિઝનેસ સેન્ટરો સુધી પહોંચાડે છે, જ્યારે હોલિડે હોમથી પાછા ફરવા માટે હેલિકોપ્ટર તેમની સેવામાં હાજર હોય છે. સૂટ સીવડાવવો હોય તો દરજી અને હજામત કરવી હોય તો નાઇ દોડતા ઘરે આવી જાય છે.
જબરદસ્ત જિજ્ઞાસુ
ઉદ્યોગપતિઓની જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ હોય છે. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ ઉક્તિ અનુસાર પ્રતિભાવાનના ગુણો પ્રારંભમાં જ વર્તાઇ આવે છે. તેઓ કદી એક જગ્યાએ બેસી નથી રહેતા. તેઓ જુદા - જુદા વિભાગોમાં ફરતા રહે છે, લોકો સાથે સવાલ - જવાબ કરે છે, તેમને સલાહ આપે છે, તંગ કરતા રહે છે. એટી એન્ડ ટીના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જોન ડિબટ્સ ઘણી વાર મેઇન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ સાથે ટેલિફોન ફિટ કરવા કે વાયરોનું રિપેરિંગ કરવા લાગી જતા.
‘ફોર્ચ્યુંન’માં પ્રકાશિત લેખમાં તેમના એક વાઇસ પ્રેસિડેન્ટ કહે છે, ‘બોસ અને હું એક કેબિન પાસેથી નીકળ્યા. મેં પૂછ્યું, જોનસાહેબ, ખબર નહીં આ લોકો શું કરતા રહેતા હોય છે. આ સાંભળીને તેમણે જરા ચા સ્વરે કહ્યું, મને ખબર છે તેઓ શું કરી રહ્યા છે.’ ઉદ્યોગપતિઓની અન્ય ખાસિયતો પણ હોય છે. તક ઝડપી લેવાની બાબતે તેમને કોઇ ન પહોંચે. આ બાબત તેઓ એકદમ ચોક્કસ અને ચપળ હોય છે. અંગત લાભનો કોઇ મોકો તેઓ જવા નથી દેતા. આ બધા ઉપરાંત તેઓ સાચા અર્થમાં આસ્થાવાન હોય છે. પોતાના કામમાં, પોતાના માલમાં, પોતાની કંપનીમાં અને નિરંકુશ ઉદ્યોગ પ્રણાલીમાં તેમને અતિશય વિશ્વાસ હોય છે અને કેમ ન હોય, આમાં તેમને સફળતા જ મળી છે.
મહદ્ અંશે સમજદાર નિષ્ફળ જાય છે?
ઉદ્યોગપતિ કટ્ટર પ્રતિસ્પધa હોય છે અને જીતવામાં તેમને અનેરો આનંદ મળે છે. સ્પર્ધાથી બચનારા કે ડરનારા લોકો મોટે ભાગે સફળ નથી થતા. કારણ કે વ્યવસાયી પ્રગતિ અનંત સ્પર્ધાઓની શ્રૃંખલા છે. રોય એશ સ્પર્ધાની ભાવનાને સત્તાની આકાંક્ષાનો વિસ્તાર ગણે છે. તેમનું કહેવું છે કે ‘સત્તા અને જીત અલગ - અલગ નથી. જીતવાની ઇચ્છા વિના પત્તાં કે સોગઠાંબાજી પાછળ કોને સમય ગુમાવવો ગમે?’ અનેક ઉદ્યોગપતિ વિદ્યાર્થી જીવનમાં વિવિધ રમતો - સ્પર્ધાઓમાં સક્રિય રહી ચૂક્યા હોય છે.
પેપ્સીકોના ડોનાલ્ડ કેન્ડલ અને રોકવેલ ઇન્ટરનેશનલના રોબર્ટ એન્ડરસને ફૂટબોલમાં તથા નોર્ટન સાઇમના ડેવિડ માઓનીએ બાસ્કેટ બોલમાં શિષ્યવૃત્તિ મેળવીને ભણતર પૂરું કર્યું હતું. માઓનીનું કહેવું છે કે સ્કૂલમાં તેમના કોચ તેમના જીવનની મહત્વની વ્યક્તિઓમાંના એક છે. ‘તેઓ મારા મનમાં એક જ વાત ઠસાવતા હતા કે તારે લક્ષ્ય સુધી પહોંચવાનું છે, તું પહોંચી શકે છે, તારે પહોંચવું જ જોઇએ, તું ઓર અથાગ પ્રયત્નો કરીશ તો અચૂક પહોંચીશ.
તેઓ કહેતા કે હારની મને સખત નફરત છે. તેમનું પ્રિય વાક્ય હતું કે તું મને સારો હારવાવાળો દેખાડી દે તો હું તને હારવાવાળો બનાવી દઇશ.’ ટોચ સુધી પહોંચનાર દરેક જણ સામાન્ય લોકો કરતાં ઘણા વધુ તેજસ્વી હોય છે. પરંતુ શિખર સુધી પહોંચવા માટે પ્રતિભા કરતા કટિબદ્ધતા વધુ જરૂરી છે. આ સંબંધમાં જાણીતા મેનેજમેન્ટ એકસપર્ટ પીટર એફ. ડ્રકરે લખ્યું છે: ‘અસાધારણ બૌદ્ધિક ક્ષમતાવાળા લોકો મોટે ભાગે નિષ્ફળ જાય છે. તેઓ એ નથી સમજી શકતા કે અંતદ્રષ્ટિ ન તો કોઇ ઉપલબ્ધી છે, ન વ્યવસાય.’
(સુરેશ કાન્તનું પુસ્તક ‘સફલ પ્રબંધન કે ગુર’ રાજકમલે પ્રકાશિત કર્યું છે.)
અભી તો હમ જવાન હૈ!
મોજમજા માણવાનો કે આનંદ કરવાનો હક શું ફક્ત યંગસ્ટર્સ પાસે જ છે? જીવનની સેકન્ડ ઇનિંગ્સ રમતા લોકો પાસે નહીં? મુંબઇસ્થિત બોરીવલી(વેસ્ટ)માં વીર સાવરકર ઉધાન ખાતે આવેલા દાદા - દાદી પાર્કની મુલાકાત લો તો સમજાય કે સિનિયર સિટિઝનો પણ યુવાનો જેટલા જ મોજીલા હોઇ શકે છે. ઉદાસ કે જિંદગીથી હારેલો કોઇ જુવાનિયો અહીં પહોંચી જાય તો ત્યાંના સમગ્ર વાતાવરણની તેના પર એટલી ગજબનાક અસર થાય કે તેનો જીવનરસ પાછો બે કાંઠા છલકાવતો વહેવા માંડે!
પ્રણેતા વિનુભાઇ વળિયાના માર્ગદર્શન અને પુષ્પા માઁ ફાઉન્ડેશનના નેજા હેઠળ શરૂ થયેલો દાદા - દાદી પાર્ક એટલે પાનખરમાં ખીલેલી વસંતનું એક ઉત્તમ ઉદાહરણ.એક સાદો ખયાલ છે કે વાળ સફેદ થવા, શરીરમાં કરચલી પડવી, સાંધા દુખવા, સંતાનોનો વિરહ સાલવો, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ સરકવું - આ બધાં લક્ષણો એટલે વૃદ્ધાવસ્થા. એ પોતાની સાથે થાક, હતાશા, એકલતા અને અનેક રોગ ઘસડી લાવે છે. એમાંય ટેકણલાકડી કે કોઇના સહારા વગર તો આ અવસ્થા કલ્પવી જ મુશ્કેલ હોય, રાઇટ? રોંગ! શી રીતે? જવાબ દાદા - દાદી પાર્કના કોર ગ્રુપના સભ્ય તથા ૮૨ વર્ષના ‘યુવાન’ શાંતિલાલ શાહ તથા એમના સાથી જિમીભાઇ દોરડી, જયંત ગોરડિયા, ચેરમેન પ્રવીણ કાપડીઆ તથા જોઇન્ટ સેક્રેટરી હસમુખ શાહ સાથે થયેલી વાતચીતમાં છુપાયેલો છે.
ચાની ચૂસકી અને ખુશીની છોળ
ખુલ્લા આકાશ નીચે અને લીલાંછમ ઝાડ-પાન વચ્ચે ચા-કોફીની ચૂસકી લેતાં લેતાં છાપાં મેગેઝિનો વાંચવા હોય કે ટીવીના મોટા સ્ક્રીન પર મનગમતો કાર્યક્રમ જોવો હોય તો પહોંચી જાવ દાદા-દાદી પાર્કમાં. આ વાત અહીં આવતા વરિષ્ઠ સભ્યોની રોજિંદી પ્રવૃત્તિની છે. વિધિની વક્રતા એ છે કે અહીં આવતા અમુક (બહુ જ ઓછા) વડીલોને ઘરનાં ચા - કોફી સુઘ્ધાં નસીબ નથી હોતાં. ઘરવાળા પરખાવી દે છે કે તમારો ચા-પાણીનો ટાઇમ થઇ ગયો છે, જાઓ દાદા - દાદી પાર્કમાં! જો કે અહીં ફક્ત સમાજથી તરછોડાયેલા કે મૃત્યુને કારણે આપ્તજનોથી વિખૂટા પડેલા લોકો જ નહીં, અહીં સુખી અને હર્યો ભર્યો કુટુંબકબીલો ધરાવતા વયસ્કો પણ નિયમિતપણે આવે છે. અહીંની હવામાં ઘૂંટન નથી, બલકે એક તાજગી છે, હૂંફ છે, લાગણી અને આત્મીયતાનો અહેસાસ છે.
સવારે આઠથી સાડાનવ સુધી અને સાંજે પાંચથી સાડા સાતની વચ્ચે અહીં વરિષ્ઠ નાગરિકોનો મેળાવડો જામે છે. પાસિંગ ધ બોલ, હાઉઝી, ચેસ, કેરમ જેવી રમતો ઉપરાંત ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ ચકાસવા માટેની વિવિધ રમતો પણ રમાય છે. ગીતો અને ભજનો ગવાય છે. આ બધાની હરીફાઇઓ યોજી ઇનામો પણ અપાય છે. આ છે રોજિંદી પ્રવૃત્તિ. ઉપરાંત અઠવાડિયામાં એક દિવસ યોગા શિખવાડાય છે, તો એક દિવસ એક્યૂપ્રેશરની ટ્રીટમેન્ટ અપાય છે. એક દિવસ ‘ગેસ્ટ ટોક’ માટે ફાળવેલો છે, જેમાં ચક્ષુદાનનું મહત્વ, વિલ, ઇન્કમટેક્સ, ઇન્સ્યોરન્સ, બેકિંગને લગતા વિષયો વણી લેવાય છે. આ માટે એ વિષયના નિષ્ણાતને બોલાવી ભરપૂર જાણકારી અપાય છે. અહીં એક ડિસ્પેન્સરી પણ છે. દર ગુરુવારે આવતાં જનરલ પ્રેકિટશનર ૧૦ રૂપિયા જેવી નજીવી રકમમાં નિદાન કરી દવા સુઘ્ધાં આપે છે. હમણાં જ ૩૦૦ સાહિત્યિક પુસ્તકો ખરીદી અહીં એક નાનું પુસ્તકાલય તથા વાચનાલય પણ શરૂ કરાયું છે. આ બધું છે ફ્રી ઓફ ચાર્જ!
કમ્પ્યૂટરાઇઝ્ડ હાજરીપત્રક
૬૦ કે એથી વધુ વયની કોઇ પણ વ્યક્તિ અહીં સભ્ય બની શકે છે. દંપતી સભ્ય બનવા માગતું હોય તો પત્નીની વયમાં માટે પાંચેક વર્ષની બાંધછોડ શક્ય છે. આજીવન સભ્ય બનવા ફક્ત એક વારના ૧૦૦ રૂપિયા લેવાય છે. સભ્યને આધુનિક આઇ કાર્ડ ફાળવવામાં આવે છે. અહીં કમ્પ્યુટરાઇઝ્ડ હાજરીપત્રક પણ છે. પાર્કમાં આવતા સભ્યએ રોજ પોતાના આઇ કાર્ડ સ્વાઇપ કરી હાજરી પૂરવાની રહે છે! ૬૦ ટકાથી ઓછી હાજરીવાળાનું સભ્યપદ રદ થઇ જાય.
૮૦૦ સભ્યથી શરૂ થનારા આ પાર્કમાં ત્રણ વર્ષના ટૂંકા ગાળા દરમિયાન આજે લગભગ ૨૭૦૦ જેટલા સભ્યો થઇ ચૂકયા છે અને બીજા ૧૦૦૦ જેટલા તો વેઇટિંગ લિસ્ટ પર છે. અહીં ટી. વી.ના કલાકારો, સ્ટેજ આર્ટિસ્ટ કે ઊરચ હોદ્દામાંથી નિવૃત્ત થયેલા એક્ઝિક્યુટિવઝ પણ છે. ૭૦ ટકા સભ્યો ગુજરાતી હોવા છતાં અહીં ભાષા કે ધર્મનો કોઇ બાધ નથી. સાઉથ ઇન્ડિયન, પારસી તથા ક્રિશ્વિન સભ્યો પણ છે આ મોજીલા ગ્રુપમાં.
ફુલગુલાબી દિવસો
જુવાનીમાં કામના બોજ તળે સિનેમા, નાટક વગેરે જોવાની ઇરછા હોવા છતાં ખાસ જોઇ શકાયાં ન હોય તો એ ઇરછા પણ અહીં પૂરી થાય છે. નિયત દિવસે નજીકના થિયેટરમાં ૨૦ રૂપિયા જેવી ટોકન રકમમાં સારા ડ્રામા કે પિકચરની રંગત માણી શકાય છે. વર્ષની બે પિકનિક ઉપરાંત સંગીતસંઘ્યા, જૂનાં ગીતોની મહેફિલ, ધાર્મિક પ્રવચનો, હાસ્ય કાર્યક્રમ જેવા તો અનેક રંગારંગ કાર્યક્રમો અવારનવાર થતા જ રહે છે. વળી શ્રાવણ મહિનામાં ચાર મોટા પ્રોગ્રામ તો ખરા જ. થોડો વખત પહેલાં જ અહીંના ૨૦૦ સભ્યોએ સ્ટાર ચેનલના ‘વોઇસ ઓફ ઇન્ડિયા’ના ટી.વી. પ્રોગ્રામમાં લાઇવ ઓડિયન્સ તરીકે હાજરી આપી હતી અને ખૂબ મજા કરી હતી.
ગાયિકા હેમાંગિની ઝવેરી તેમ જ સુરેન ઠાકર(મેહુલ) જેવાં કલાકારો સાથે સંગીત - સાહિત્યમાં રસતરબોળ થવાનું સૌભાગ્ય પણ આ સભ્યોને સાંપડે છે. હરિભાઇ કોઠારી, કિશોરચંદ્ર શાસ્ત્રી, ભાનુભાઇ વોરા, મનુભાઇ ગઢવી, અશ્વિન પાઠક તથા કથાકાર નમસ્વી પંડયા જેવા મહાનુભવોનાં ધાર્મિક પ્રવચોનોનો લાભ પણ સમયાંતરે મળતો રહે છે. વળી નવરાત્રી - દશેરા જેવા તહેવારોએ જલેબી - ગાંઠિયાની જયાફત તો છોગામાં!
ફેશન શો પણ ખરો!
આટલા બધા ઉત્સવો ઉજવાતા હોય ત્યારે આ વરિષ્ઠ સભ્યો પાર્કનો વાર્ષિક દિન ઉજવવામાં પાછળ પડે ખરા? વાર્ષિક દિનની ઉજવણી માટે અહીંના ઉત્સાહી અને ઉમંગથી ભરપૂર યુવાહૃદયી સભ્યો રીતસર મચી પડે છે. ગયા ડિસેમ્બરમાં ઉજવાયેલા પ્રોગ્રામ દરમિયાન ફેશન શોમાં ૮૨ વર્ષની ઉંમર સુધીના સભ્યોએ ભાગ લીધો હતો. રસિયાની રંગત હોય, હિંડોળા કે નાવ મનોરથ હોય, ફેશન શો હોય કે પછી વેલેન્ટાઇન્સ ડે - ગમતું મળે તો ગુંજે ન ભરતાં અહીં ગમતાંનો ગુલાલ ઊડે છે.
એક જ ગંગોત્રી
દરેક સભ્યોની વર્ષગાંઠ અનોખી રીતે ઉજવવામાં આવે છે, જે - તે મહિનાના છેવટના અઠવાડિયે એ જ મહિનામાં આવતાં દરેક સભ્યની સમૂહ વર્ષગાંઠ ઉજવાય છે. જન્મદિવસ હોય એ સભ્યને ગ્રેટિંગ કાર્ડ તથા ફૂલથી નવાજવામાં આવે છે. કેક કટિંગની સાથે ચા - નાસ્તો પણ રાખવામાં આવે છે. ૮૨ વર્ષના એક વયસ્ક ભીંજાયેલી પાંપણે કહે છે, ‘મારી જિંદગીમાં આટલી સુંદર રીતે મારો જન્મદિવસ કોઇએ ક્યારેય નથી ઊજવ્યો...’
સમસ્યાનું નિવારણ
આમ તો સમય મુઠ્ઠીમાંથી સરી જતી રેતી જેવો હોય છે પણ ઢળતી ઉંમરે માનવી પાસે બચે છે એકમાત્ર સમય જ. આ ઉંમરની મોટામાં મોટી સમસ્યા એટલે ખાલીપો. વાતો કરવા, હૃદય હલકું કરવા, મન મોકળું કરવા માણસને માણસનો ખપ પડે. એમાંય પતિપત્ની બેમાંથી એકની જીવાદોરી ટૂંકાય તો માનવીના જીવનમાંથી રસ ઊડી જાય. એક મહિલા કહે છે, ‘હું ખૂબ નિરાશા અને હતાશા અનુભવતી હતી. એકલતા ઊધઇની જેમ કોરી ખાતી હતી પણ હવે અહીં એવી ભળી ગઇ છું કે આ લોકો જ મારા સ્વજન બની ગયા છે. દાદા - દાદી પાર્કમાં ન જાઉં તો મારી રોજની દિનચર્યામાં કંઇક ખૂટતું લાગે.’
વચ્ચે અહીં એક સુંદર ડિબેટ યોજાયો હતો. વિષય નવતર હતો: બુઢાપામાં ફરી લગ્ન ઇરછનીય ખરાં? પોતાનું બોલાયેલું એક વાકય પણ જયાં ઘરના લોકોને ખૂંચતું હોય એવા વડીલોએ પોતાના ભાવ અને વિચારો ખૂબ જ સુંદર રીતે ખુલ્લા મૂકયા હતા. મોટી ઉંમરે સર્જાતા અનેક પ્રશ્નોનું નિરાકરણ પણ અહીં કાઉન્સેલિંગ દ્વારા થાય છે.
કુછ હટકે હો જાયે
ગયા વર્ષથી અહીંના સિનિયર સિટિઝન સભ્યોની એક ક્રિકેટસ્પર્ધા પણ યોજાય છે. મજાની વાત તો એ છે કે આટલી ઉંમરે પણ એમનો ઉત્સાહ નવજુવાનિયાઓને શરમાવે એવો હોય છે. તાજેતરમાં જ સંસ્થાએ આપેલો ફ્રી કમ્પ્યુટર એજયુકેશનનો લાભ પણ અહીંના ૨૦૦ જેટલા સભ્યોએ લીધો હતો. સંસ્થા તરફથી એકલા રહેતા દંપતીઓ માટે પોલીસ સિક્યોરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
બોરીવલી આઇસી કોલોનીમાં પણ આ સંસ્થાની આ જ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે. એ માટે ત્યાં બે માળનું એક આખું બિલ્ડિંગ ફાળવવામાં આવ્યું છે.ખરેખર, અહીંના દરેક વયસ્ક સભ્યોને જોતાં એમ જ થાય કે મરીઝના આ શેરને એમણે ખૂબ બખૂબીથી પચાવી જાણ્યો છે:
બ્રહ્માંડ કેટલું વિશાળ?
બ્રહ્માંડ અત્યંત વિશાળ છે, વિસ્તૃત અને વ્યાપક છે, આવું તો આપણે અવાર-નવાર સાંભળતા હોઇએ છીએ પણ અતિ વિશાળ એટલે ખરેખર કેટલું વિશાળ? આ વાતનો આપણને ઘણીવાર વિચારવા છતાંય સાચો અંદાજ આવતો નથી. અહીં એ પ્રશ્ન થાય કે બ્રહ્માંડ એટલે શું? આમ તો બ્રહ્નાંડ એટલે નજરે જોઇએ છીએ એ બધું તો ખરું જ. પૃથ્વી, ગ્રહો, સૂર્ય, તારાઓ અને તારા વિશ્વાસો તો ખરા જ, પણ એ સિવાયનું પણ સઘળું, જે કંઇ પણ અસ્તિત્વમાં છે અને નરી આંખે દેખાય કે ન દેખાય, તે સર્વ તેમાં આવી જાય.
પરંતુ સામાન્ય અર્થમાં બ્રહ્માંડની વાત કરીએ કે તરત જ આકાશનો ખ્યાલ અને વિચાર આવે. નરી આંખે કે ટેલિસ્કોપથી દેખાતા તારાઓ અને આકાશી પદાર્થોની વાત એટલે બ્રહ્માંડ. જો અપાર અને અનંત એટલે શું તેની કંઇક કલ્પના કે આછો ખ્યાલ મેળવવો હોય તો ક્યારેક નિરાંત લઇને દૂર દૂરના આકાશમાં અને તેની જુદી જુદી દિશાઓમાં નજર દોડાવો! ચારે બાજુએ અને સઘળી દિશાઓમાં તારાઓના પુંજથી ભરેલું આકાશ જોતા જ આપણને કવિની પંક્તિઓ યાદ આવી જાય કે ‘ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીં, તોય મારા આભલામાં માય!’
ખરેખર તો આ પ્રત્યેક તારાઓ જે આપણે જોઇએ છીએ તે એક એક સૂર્યની સમાન છે, અથવા સૂર્યથી પણ દસ, વીસ કે સો ગણા મોટા છે. આમ, રાત્રે જે હજારો તારાઓ જોઇએ છીએ તે વાસ્તવમાં તો હજારો સૂર્યોનું જ દર્શન છે. જે દિવસે આપણી નજીકના અને આપણા પોતાના સૂર્યના અત્યંત પ્રજવલિત પ્રકાશમાં જોઇ શકાતા નથી. આ તારાઓ સૂર્ય જેટલા પ્રકાશિત દેખાતા નથી કારણ કે તેઓ આપણાથી કરોડો કરોડો કિલોમીટર દૂર છે અને આપણો સૂર્ય જેટલો દૂર છે તેનાથી તો અનેક અનેક ગણા અંતરે વધુ દૂર આવેલા છે. પણ ખરેખર તો તેઓ સૂર્યથી પણ અનેક ગણો વધુ પ્રકાશ અને ગરમી આપતા હોય છે.
બ્રહ્માંડની વિશાળતાનો કંઇક અંદાજ પામવા, સહુ પહેલા તો પૃથ્વીનો વિચાર કરો. હજારો માઇલની ઝડપે જતું વિમાન પણ એક ખંડમાંથી બીજા ખંડમાં જતા કલાકો લે છે એટલી મોટી આ પૃથ્વી છે. પણ પૃથ્વીની બહાર નજર ફેંકો તો શનિ, બુધ, ગુરુ કે અન્ય ગ્રહો તો આનાથી પણ અનેક ગણા વધુ અંતરે આપણાથી દૂર આવેલા છે. સઘળા પદાર્થોની સરખામણીમાં પ્રકાશની ગતિ સહુથી વધુ છે અને તે એક સેકન્ડના એક લાખ છયાશી હજાર માઇલ જેવી ઝડપે જાય છે. આવા પ્રકાશ કિરણને સૂર્યથી આપણા સુધી પૃથ્વી પર પહોંચતા આઠ મિનિટ જેવો સમય લાગે છે. તેના પરથી પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરની ગણતરી કરી લો!
વળી સૂર્ય તો આપણી આકાશ ગંગામાં આવેલો એક સામાન્ય તારો જ છે. સૂર્ય જેવા લગભગ બસો અબજ તારાઓ મળીને આકાશગંગા એટલે કે આપણી પોતાની ગેલેકસી રચાય છે. આપણી આ આકાશગંગા પણ અતિ વિશાળ છે. તેના એક છેડેથી બીજા છેડે જવું હોય તો આશરે એક લાખ પ્રકાશ વર્ષે જેટલું અંતર કાપવું પડે! આપણે પ્રકાશના વેગની ઉપર વાત કરીએ. આટલા મોટા વેગથી પ્રકાશ એક વર્ષ જેટલો સમય દોડ્યા કરે ત્યારે કેટલું મોટું અંતર થાય તેનો વિચાર કરો. હવે આ રીતે એક લાખ વર્ષ સુધી પ્રકાશ દોડે ત્યારે માંડ આપણા પોતાના તારાવિશ્વના એક છેડેથી બીજા છેડે પહોંચે!
હવે આજના આધુનિક દૂરબીનો દ્વારા વિશ્વમાં નજર નાખીએ ત્યારે તો આવી ઓછામાં ઓછી ત્રણસો અબજ જેટલી ગેલેકસીઓ નજરે પડે છે! આના પરથી, જે આજે આપણે જોઇ શકીએ છીએ અને જે નરી આંખે કે આધુનિક ઉપકરણો દ્વારા દેખાય છે તે બ્રહ્નાંડ કેટલું વિશાળ છે તેની કંઇક કલ્પના આવશે. અથવા તો, સાચું કહીએ તો એ વાતનો ખ્યાલ આવશે કે બ્રહ્માંડ કેવું કલ્પનાથી પણ બહારનું વિશાળ છે! મુંબઇ-અમદાવાદ જેવા શહેરોમાં ભલે આપણે નાના નાના ઘરોમાં રહેવું પડતું હોય, પણ આપણું આ વૈશ્વિક ઘર તો ઉપર જોયું તેમ ખરેખર અતિ વિશાળ છે!
માર્ક ટેગમાર્ક નામના વિજ્ઞાની એકવાર વ્યાખ્યાન આપતા હતા, અને તેઓ કહે છે કે એક ચાર વર્ષના બાળકે તેમને પ્રશ્ન કર્યો, ‘આ બ્રહ્માંડ ખરેખર કેટલું મોટું છે?’ ટેગમાર્ક કહે છે કે તેમને કહેવું પડ્યું કે વાસ્તવમાં તો આ સવાલના જવાબની તેમને પોતાને કે આધુનિક વિજ્ઞાનને પણ આજે કંઇ ખબર નથી! આ બસ્સોથી ત્રણસો અબજ તારાવિશ્વોની પેલે પાર પણ બ્રહ્માંડ આગળ કેટલું અને કેવું વિસ્તરેલું છે તેની આજે આપણને જાણ કે માહિતી નથી. અતિ આધુનિક ટેલિસ્કોપ તથા અન્ય સાધનો દ્વારા તેની વિશેષ અને વિશેષ શોધ આપણે આજે કરતા જઇએ છીએ.
આજે આ વાત કરીએ છીએ ત્યારે ઘણાં વર્ષો પહેલાની એક ઘટના મને યાદ આવી જાય છે. કેટલાક સાહિત્યકારો સાથે અમે બેઠા હતા અને વિશ્વની વિશાળતાની આ ચર્ચા નીકળી. બ્રહ્માંડના વિસ્તરતા આયામોની વાત જેવી આગળ વધી ત્યાં જ એક જાણીતા સાહિત્યકાર અચાનક બોલી ઊઠ્યા, ‘અરે! બ્રહ્નાંડની આ આટલી વિશાળતા? મને તો આ સાંભળીને જ બીક લાગે છે! આમાં તો આપણે ક્યાં ખોવાઇ જઇએ!’ એ સમયે તો હું તેમને ન કહી શક્યો કે આ ‘વિશ્વરૂપ-દર્શન’ તે ડરવાની નહીં, પણ વિસ્મય-રોમાંચ અને આનંદ અનુભવવાની વાત છે. પણ એટલો વિચાર તો મને જરૂર આવ્યો કે વિશાળ વિશ્વની આ વાત સાંભળીને આપણા મનને આવો કંઇક ઝટકો, આઘાત લાગતા હોય અને તેમાં આપણી સંકુચિતતા જો તૂટતી હોય તો તે તો જરૂર સારી જ વાત છે!
પણ એકાદ ડાહ્યો વાચક તો અહીં જરૂર એમ કહેશે કે, ભાઇ, અમારે અમારા ઘરના-શેરીના અને ગામના પ્રશ્નો શું ઓછા છે કે તમે આવી આખાયે બ્રહ્માંડની કથા માંડીને બેઠા છો? એનાથી તે વળી શો ફાયદો? તો તેમાં એક જ વાત વિચારવા જેવી છે કે આપણા મોટાભાગના પ્રશ્નો કેવળ આપણી ટૂંકી દ્રષ્ટિને કારણે જ પેદા થતા હોય છે, પછી તે દેશ હોય કે દુનિયા, ગામ હોય કે પોતાનો પરિવાર. વિશ્વની વિશાળતાની આ વાત જાણી સમજીને જો આપણી આંખો અને મનમાં વિશાળતા આંજી દઇએ, આપણી દ્રષ્ટિમાં વિશાળતા વ્યાપી દઇએ તો આપણા ઘણા પ્રશ્નોનું નિરાકરણ આપોઆપ જ થઇ જાય અને આપણા કર્મ અને કાર્ય પદ્ધતિ પણ જરૂર બદલાય. અને ખરેખર તો તેમાં જ સાચી સફળતાની ચાવી છે!
બ્રહ્માંડની વિશાળતાની આ વાત કરીએ ત્યારે ‘યતો વાચો નિવર્તન્તે...’, જ્યાં વાણી પણ કામ કરતી બંધ થઇ જાય તેવી વાત અને સ્થિતિ આવે છે! આવી આ વિશાળતામાં આપણું, આ નખ જેટલા માનવીનું તે વળી શું મહત્વ? તેમાં વળી આપણા સુખો ને દુ:ખો, સિદ્ધિઓ અને પ્રાપ્તિઓના ગાનનું શું મહત્વ? આટલું જો ધ્યાન દઇને વિચારીએ, પાકું સમજી લઇએ તો આપણો અહંકાર થોડો તો ઓછો થાય જ થાય તેમાં શંકા નથી.
શું બ્રહ્માંડની આ વિશાળતાની વાત વાંચતા, વિચારતા તમે એક જુદી જ દુનિયામાં પહોંચી ગયા છો? જો તમે થયું હોય તો તેમાં આ લખાણની સાર્થકતા છે. વિશ્વની આ વિશાળતામાં જો આપણી પોતાની નાનકડી જાતને ખોઇ દઇએ અને આપણા રોજબરોજના આગ્રહો, દૂરાગ્રહો, સુખ-દુ:ખ અને અહંકારને થોડા પણ ભૂલીએ તો આપણું મોટું કામ થઇ જાય!‘