success story

કામ ગમે તેટલુ અઘરૂ કેમ ના હોય, જો....



સારામા સારી જીવનશૈલી કઈ છે? દુનિયામાં રહેવાથી જ્યારે આપણે જીવવાંના એક ઢંગથી કંટાળી જઈએ છીએ ત્યારે આપણે બીજા જીવન ચર્યામાં પ્રવેશ કરી જઈએ છીએ. ચેંજના ચક્કરમાં માણસ ચક્કરધિન્ની થઈ જાય છે. આવી રીતે પણ જીવી શકાય છે. તેને જોઈને જીવીયે જે બધાને જોઈ રહ્યો છે. આને સીધી ભાષામાં એમ કહી શકાય કે ભક્ત બની જાવ અને પોતાના પુરૂષાર્થ, આત્મવિશ્વાસને ભગવાનના ભરોસા પર છોડી દો. પરિશ્રમ આપણુ રહે અને પરિણામ એનુ રહે. આનો સીધો જ અર્થ છે કે શ્રમ આપણે કરીએ અને ફળ પરમાત્મા પર છોડી દઈએ. આધ્યાત્મમાં આને જ નિષ્કામતા કહેવામાં આવ્યુ છે. આવુ સાંભળીને લોકોને લાગે છે કે આતો મોટી અકર્મણ્યતા થઈ જશે.


ભારતીય સંસ્ક્રુતિ અને હિંદુ ધર્મને લઈને આમ પણ લોકો કહે છે કે બધુ ભગવાન ભરોસે, ભાગ્ય ભરોસે ચાલે છે. ઘણા લોકો કરવા-ધરવામાં માનતા નથી, પરંતુ ધર્મએ એવુ ક્યારેય નથી કીધુ, ભગવાને પણ એવુ નથી કીધુ કે મારૂ પૂજન કરવાવાળા અકર્મણ્ય બેસી જાય. ભક્તનો પોતાનો કર્મ યોગ હોય છે. ભક્તિ જીવનમાં ઉતરતા જ દરેક કાર્ય, બધી વાતનો અર્થ જ બદલાય જાય છે.


જૈન સાહિત્યમાં મહાવીર સ્વામીના બે વાક્ય ઘણા જ સારા સાબીત થયા છે. એક વાર એમણે કહ્યુ કે જો તમે બિછાવવા માટે ધરી ખોલી, ખોલવાનુ શરૂ કર્યુ તો સમજી લો કે ધરી ખુલી ગઈ. જો કામ ચાલુ જ કર્યુ તો સમજી લો કામ પુરૂ થઈ ગયુ. બીજી વાત કહી હતી કે જો ચાલવા માંડ્યા તો સમજી લો પહોંચી ગયા. ભગવાનની યાત્રામાં પગ આગળ વધારવા એજ ઘણુ છે. તેની તરફ પગ ચાલવા માંડ્યા કે રસ્તો અને મંજિલનો ફર્ક પુરો થઈ જશે. આ છે ભક્તનો ભરોસો, આ જીવનશૈલીને પણ પોતાની કરી ને જોઈ લો અને તેની શરૂઆતમાં થોડુ મુસ્કાન રાખો.

એમ્બિશનના અનેક રંગ



મહત્વાકાંક્ષાની લાગણી જેટલી દેખાય છે એટલી સીધી અને સરળ ન પણ હોય. બીજી કોઈ પણ માનવીય લાગણીઓ જેવી સંકુલતા કદાચ એમ્બિશનમાં પણ હોઈ શકે છે. મુંબઈ સ્થિત જાણીતા ફેમિનિસ્ટ અને લેખિકા સોનલ શુક્લને તો મહત્વાકાંક્ષા શબ્દ સામે જ જરા વિરોધ છે. ‘અંગત મહત્વાકાંક્ષાની વાત આવે ત્યારે એમાં ઘણીવાર સ્પર્ધા, સ્વાર્થ અને હિંસાના ભાવ ઉમેરાઈ જતા હોય છે,’ તેઓ કહે છે, ‘લોકો ક્યારેક પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા કોઈ પણ હદે જવા તૈયાર થઇ જાય છે. હું એક મિલ વર્કર અને તેના ફેમિલીને ઓળખું છું. તેઓ વરલીની કોઈ ચાલીમાં રહેતા. આ મજૂરની મહત્વાકાંક્ષા હતી પોશ વિસ્તારમાં લક્ઝરી ફ્લેટ લેવાની. એણે અનેક કરામતો કરી. કોઈનો ઘરજમાઇ બન્યો અને પત્નીના ફેમિલીનું ઘર પડાવી લીધું. પત્ની અને એના પિયરિયાઓનું ખૂબ શોષણ કર્યું.


એને જાણતા ન હોય એવા લોકોને તો વરલીની ચાલીથી વિલેપાર્લેના ફ્લેટ સુધી પહોંચનારો આ માણસ મહત્વાકાંક્ષી લાગે,પણ સિક્કાની બીજી બાજુ જોઇએ તો ખબર પડે કે એની મહત્વાકાંક્ષાએ કેટલાયને ડુબાડ્યા છે. મને લાગે છે કે અંગત મહત્વાકાંક્ષાનું પલ્લું ઘણીવાર લોલૂપતા અને સ્વાર્થ તરફ નમી જાય છે.’સ્ત્રીની મહત્વાકાંક્ષા અને પુરુષની મહત્વાકાંક્ષાના રંગ ઘણીવાર જુદા હોય છે. સોનલ શુક્લ કહે છે, ‘મુઠ્ઠીભર ઉપલા વર્ગની છોકરીઓ સિવાયની બાકીના બધા જ વર્ગની મહિલાઓને જુઓ. એને આપણે દુનિયા જ કયાં દેખાડી છે? એમાં કોઇનો વાંક નથી. આપણી સમાજશૈલી જ એવી છે. મોટાભાગની છોકરીઓની મહત્વાકાંક્ષા એટલે દેખાવડો, સારું કમાતો, પોતાને પ્રેમ કરતો પતિ હોય અને એક પુત્ર હોય, બસ. પતિની નોકરીમાં ટ્રાન્સફર થાય તો પત્નીએ પોતાની મહત્વાકાંક્ષા દાબી કે ડામી દેવી પડે છે. ટૂંકમાં સ્ત્રીઓને સમાજની ઇચ્છા મુજબ પોતાની મહત્વાકાંક્ષા વેતરવી પડતી હોય છે.’


શું સોનલ શુક્લ સ્વયં મહત્વાકાંક્ષી છે? ‘ના. હું ક્યારેય એમ્બિશિયસ હતી જ નહીં. પપ્પા (નિનુ મઝુમદાર) સંગીતકાર હતા. ઘરમાં એકદમ સ્વતંત્ર વાતાવરણ હતું, પણ હું ટીચર હતી ત્યારે મને પ્રિન્સિપાલ બનવાની કે લેક્ચરર હતી ત્યારે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનવાની મહત્વાકાંક્ષા ક્યારેય થઈ નહોતી...’ આટલું કહીને સોનલ શુક્લ ખડખડાટ હસી પડે છે અને પછી ઉમેરે છે, ‘અરે, આટલા લેખો લખ્યા છતાં ય મેં આજ સુધી ક્યાં મારું એક પણ પુસ્તક છપાવ્યું છે? આ દુનિયા પિરામિડ છે અને ટોચ પર પહોંચવા તમે કેટલાયને લાત મારી ઉપર ચઢો છો. હું માનું છું કે મહત્વાકાંક્ષા તમારા નિજી અનુભવોમાંથી પ્રગટે છે અને તે તમારા અનુભવો જેટલી જ મર્યાદિત રહે છે.’


અનુભવ સમૃદ્ધ બનવા માટે ખૂબ બધી પ્રવૃત્તિ જ નહીં, ક્યારેક નિવૃત્તિ પણ ઉપયોગી બનતી હોય છે. પૂછો મુંબઈવાસી સોફ્ટવેર એન્જિનિયર બૈજુ દલાલને. મહત્વાકાંક્ષાની લાગણીને અતિક્રમી ગયેલા ૪૧ વર્ષના આ યુવાન છેલ્લાં પાંચ વર્ષથી ‘રિટાયર્ડ’ છે! તેઓ કહે છે, ‘મહત્વાકાંક્ષી લોકો કશુંક નક્કર કે સર્જનાત્મક કામ કરતા હોય છે, પણ મારી એવી કોઇ એમ્બિશન નથી. મુંબઇ જેવા શહેરમાં લોકોનાં મોઢાંમાંથી અવારનવાર શબ્દો સરી પડતા હોય છે કે, ‘મને સમય નથી.’ બસ, મારી ઇચ્છા સમયને ભરપૂર માણવાની છે!’


મુંબઇમાં જ જન્મીને મોટા થયેલા બૈજુ દલાલે ૧૯૯૨ પછી બે વર્ષ જર્મની અને ત્રણ વર્ષ યુએસમાં ગાળ્યાં પછી બેંગ્લોર અને પૂનામાં કુલ સાતેક વર્ષ રહ્યા. તેઓ સિંગલ છે અને સંતુષ્ટ છે. ગયા વર્ષે પાછા મુંબઇ રહેવા આવી ગયા. ‘અહીં મમ્મી પપ્પા સાથે હું આનંદથી રહું છું,’ એ કહે છે, ‘મારી પાસે ભરપૂર સમય છે. હું પુસ્તકો વાંચું, ટીવી જોઉં અને ખૂબ ટ્રાવેલિંગ કરું.


ઘણીવાર ગ્રુપમાં ફરું છું તો કોઇ વાર એકલો નીકળી પડું. મારે કશું ચીલઝડપે કરવું નથી. હું બધું જ આરામથી કરું છું. જરૂર પૂરતી ઇન્કમ આપોઆપ જનરેટ થયા કરે એ રીતે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. જો કે શેરબજારનું ફોલો અપ કરતો રહું છું. મમ્મીપપ્પાની ઇચ્છાઓ મારાથી શકય હોય એટલી પૂરી કરું છું. બાકી પૈસાની લાલસા તો નેવર એન્ડિંગ છે. જેટલું કમાઇએ એટલું ઓછું પડે. મેં મનમાં કોઇ પણ પ્રકારની ગાંઠ બાંધી રાખી નથી. મારો ખર્ચ સીમિત છે. મારા ગજા પ્રમાણે કયા કેટલું ખર્ચવું એની ખબર હોય છે, એટલે બહુ ઝાઝી ચિંતા કરતો નથી. મને તો મારી રીતે જીવવામાં રસ છે, બસ...’


પોતાની રીતે જીવવું, નિર્બંધપણે જીવવું તે પણ કેટલી મોટી મહત્વાકાંક્ષા હોઈ શકે છે! કદાચ તમામ મહત્વાકાંક્ષાની અંતિમ ફળશ્રુતિ આ જ નથી શું? ‘તમે સારી રીતે જિંદગી જીવો અને જે કરવા ધાર્યું હોય એના અંતિમ છેડા સુધી પહોંચો એ જ તમારી મહત્વાકાંક્ષા...’


એમ્બિશનની આ વ્યાખ્યા બાંધે છે અરવિંદ જોશી. ગુજરાતી નાટ્યજગતના આ દિગ્ગજ રંગકર્મી. જાણીતો ફિલ્મસ્ટાર શર્મન જોશી એમનો દીકરો થાય. દીકરી માનસી જોશી અને જમાઈ રોહિત રોય પણ ટીવી-સિનેમાનાં સફળ નામો છે.


સિત્તેર વર્ષીય અરવિંદ જોશી સ્કૂલમાં હતા ત્યારથી જ અભિનય કરતા. થિયેટરનો અને એક્ટિંગનો એમને જબરજસ્ત ક્રેઝ. આ શોખ કોલેજકાળ સુધી વિસ્તર્યો. તેઓ કહે છે, ‘એમ તો મેં બે-ત્રણ વર્ષ કન્સ્ટ્રકશન કંપનીમાં કામ પણ કરી જોયું હતું, પણ પછી તો અભિનય ક્ષેત્રમાં જ ઝંપલાવ્યું. ૬૦ના દાયકામાં આ ક્ષેત્રમાં જોઇએ એટલો પૈસો નહોતો. પપ્પાની ઇચ્છા જરાય નહીં. પણ મારી મહત્વાકાંક્ષાને બળ આપ્યું મમ્મીએ. મમ્મી પાંચ-દસ રૂપિયાની જે બચત કરતી તે પણ મને અને ભાઇ પ્રવીણ જોશી (જે ગુજરાતી રંગભૂમિનું દંતકથારૂપ નામ છે)ને આપી દેતી. પપ્પાને મનાવવાનું કામ પણ એ જ કરતી...’ અરવિંદ જોશીએ શરૂઆતનાં પાંચ-છ વર્ષ તો પુષ્કળ મહેનત કરી.


બેક સ્ટેજનાં નાનાંમોટાં દરેક કામ કરતા. એમાંથી તેઓ ઘણું શીખ્યા. એમનો આ સંઘર્ષ બહુ ઉપયોગી નીવડ્યો અને તેઓ થિયેટરની અંદરબહારનું બધું જ જાણી શક્યા. ‘મેં અનેક હિંદી ફિલ્મો કરી છે છતાં રંગભૂમિ ક્યારેય છોડી નથી,’ તેઓ કહે છે, ‘આજે આ ફિલ્ડમાં મને ૪૫ વર્ષ થઇ ગયાં. થિયેટરની સોયથી માંડીને હાથી સુધીની રજેરજ બાબતની મને ખબર છે. આ ક્ષેત્રે મને પૈસો, પ્રસિદ્ધિ બધું જ આપ્યું છે. બધી જ ઇચ્છાઓ પૂરી કરી છે મારી... મારું આખું કુટુંબ પણ આ ક્ષેત્ર સાથે જ જોડાયેલું છે.


જોકે સંતાનો પર મેં મારી કોઇ ઇચ્છા લાદી નથી. મને લાગે છે કે મારી મહત્વાકાંક્ષા પૂરી ન થઇ હોત તો પણ હું આ જ પ્રોફેશનને વળગી રહ્યો હોત અને સફળતા ન મેળવત ત્યાં સુધી છોડત નહીં. આજે જે કંઇ પણ હું છું, મારો જે કંઈ વિકાસ થયો છે એ થિયેટરને લીધે થયો છે. જીવનમાં મને કોઇ જાતનો અફસોસ પણ નથી...’જીવનના ઉત્તરાર્ધે માણસ સંતોષપૂર્વક અને ગર્વના રણકા સાથે આવા શબ્દો ઉરચારી શકે તો એનાથી વિશેષ બીજું શું જોઈએ?

મહત્વાકાંક્ષાના મહામંત્રમાં માનો છો?



મહત્વાકાંક્ષાના મહામંત્રમાં માનો છો? હા ના કદાચ

૨૧થી ૩૦ વર્ષનો ગાળો એટલે કરીઅર અને જીવનસાથી વિશેના અત્યંત મહત્વના નિર્ણયો લેવાનાં વર્ષો. આ વર્ષોમાં ફેન્ટસી અને મહત્વાકાંક્ષા વચ્ચે જાડી ભેદરેખા અંકાઇ જવી જોઇએ. મહત્વાકાંક્ષાનાં અર્થ અને સ્વરૂપ ઉંમરની સાથે બદલાતાં જતાં હોય છે.


એક સીધોસાદો સવાલ: તમે કેવાક મહત્વાકાંક્ષી અથવા તો એમ્બિશિયસ છો? ખરેખર તો આનીય પહેલા પુછાવો જોઈએ તે સવાલ આ છે- સૌથી પહેલાં તો તમે મહત્વાકાંક્ષી છો ખરા? આનો જવાબ — ‘હા, ખૂબ જ’, ‘ના, જરાય નહીં’, ‘ઠીક ઠીક’, ‘ખબર નથી’ — આ ચારમાંથી કંઈ પણ હોઈ શકે. મહત્વાકાંક્ષાનો સંબંધ ઉંમર સાથે છે. તરુણાવસ્થામાં દુનિયાના સૌથી પૈસાદાર માણસ બનવાની એમ્બિશન હતી, પણ પાછલી ઉંમરે મહત્વાકાંક્ષાને અઘ્યાત્મનો રંગ ચડે, ઐમ બને. મહત્વાકાંક્ષાનો અર્થ અને સ્વરૂપ ઉંમરની સાથે બદલાતાં જાય અને એક તબક્કા પછી આ શબ્દ જ અપ્રસ્તુત બની જાય એમ પણ બને.


ઉંમરને - રાધર, સાચી ઉંમરને - વાતચીતમાં સાહજિક રીતે ઉછાળતા રહેવું એ આધુનિક સ્ત્રીનું લક્ષણ છે. ઉંમરના આંકડા પ્રત્યે સભાન બની જવું, એને સ્વરોવ્સ્કીના ખૂબસૂરત ક્રિસ્ટલ પીસની માફક કાળજીપૂર્વક સાચવતા રહેવું એ ન્યુ એજ મેનનું લક્ષણ છે. પોતાની ઉંમરના બદલાતા જતા આંકડા પ્રત્યે સતર્ક રહેવાની શરૂઆત ક્યારથી થતી હોય છે? કદાચ કોલેજજીવન પૂરું થયા પછી તરત જ. તરુણાવસ્થામાં કલરફુલ બર્થડે કાડ્ર્ઝ અને બર્થડે પાર્ટીઝ અને આકર્ષક રીતે પેક કરાયેલી ગિફ્ટસ માત્ર અને માત્ર નિર્ભેળ ઉલ્લાસનું નિમિત્ત બનતાં હતાં. હવે આ બધું એક નવો સંદર્ભ લઇને પેશ થવાનું શરૂ કરી દે છે. મનના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં હવે ઉંમરનો એક સતત ચાલતો રહેતો નવો સૂર ઉમેરાઇ જાય છે.


ઉંમરનો આંકડો એક ઇન્ડિકેટર છે. લાલ અથવા લીલા રંગનું ઝબૂક ઝબૂક થતું ઇન્ડિકેટર. વીસીમાં પ્રવેશીએ એટલે અમુક બાબતોનો અધિકાર આપણી પાસેથી છીનવી લેવામાં આવે. ઉદાહરણ તરીકે, માસૂમ હોવાનો અધિકાર. માસૂમિયત બાળપણની સ્વાભાવિક સ્થિતિ છે. તરુણ વયનો માસૂમ છોકરો કે છોકરી ‘ક્યુટ’ લાગી શકે છે, પણ જુવાનીમાં માસૂમિયત અપ્રસ્તુત બની જાય છે. એનાથી ઊલટું, અત્યાર સુધી જેનાથી વંચિત રાખવામાં આવેલા એવા ઘણા અધિકારો - લગભગ તમામ મહત્વના અધિકારો - માણસને જુવાની આપી દે છે.


આ અધિકારોનો ભોગવટો સારી અને સાચી રીતે થાય તો ખોંખારો ખાઇને ઊંચા સ્વરે ગાવાનું : ‘જવાની ઝિંદાબાદ..’ ગદ્ધાપચીસીનાં આ વર્ષોજો પાનની પિચકારીઓ મારવામાં, સવારે સાડાઅગિયાર વાગ્યે ઊઠીને પાછું ટીવી સામે ચોંટી જવામાં અને બે કાન વચ્ચે રહેલા દિમાગનો ઉપયોગ કરવાને બદલે બે પગ વચ્ચે રહેલા અંગને સંતોષ આપ્યા કરવામાં વિતાવ્યાં હોય તો થોડાં વર્ષોપછી ઘોઘરા થઇ ગયેલા દરદીલા અવાજે આવું કોઇક ગીત ગાવાનું: ‘જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે...’


માણસ વીસ વર્ષનો થાય અને આખો દાયકો પસાર કરીને ત્રીસીમાં પ્રવેશે એ દરમિયાન એણે જીવનના બે અત્યંત મહત્વના નિર્ણયો લઇ લેવા પડે છે: એક, કરીઅરની પસંદગીનો નિર્ણય અને બે, જીવનસાથીની પસંદગીનો નિર્ણય. જીવનના હવે પછીના દાયકાઓનાં સુખદુખનો મહત્તમ આધાર આ બે નિર્ણયો પર નિર્ભર છે. આ બેમાંથી બીજો નિર્ણય, જોકે, વૈકિલ્પક છે. લગ્નનો નિર્ણય અઢાર વર્ષના થતાંવેંત જ કે પછી ત્રીસ વર્ષ વટાવી દીધાં પછી ગમે ત્યારે લઇ શકાય છે.


યુવાનીના ૨૧ થી ૩૦ વર્ષના ગાળામાં ખુદની પ્રકૃતિ, તાસીર કે મિજાજ વિશે પોતાની જાત સામે સ્પષ્ટતા થઇ જવી જોઇએ. ફેન્ટસી અને મહત્વાકાંક્ષા વચ્ચેની જાડી ભેદરેખા અંકાઇ જવી જોઇએ. નાનપણમાં તો કહેતા હતા કે મોટા થઇને પાઇલટ બનવું છે. હવે સિરિયસલી જવાબ આપો: શું બનવું છે જીવનમાં? તમે મેડિકલ કોલેજ/એન્જિનિયરિંગ કોલેજ/એકાઉન્ટન્સી ફર્મમાં ઓલરેડી એડમિશન લઇ લીધું છે, ફેમિલીનો બિઝનેસ સંભાળવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે, ભલે, પણ તમે હૃદયપૂર્વક ડોક્ટર/એન્જિનિયર/ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ/બિઝનેસમેન બનવા માગો છો? જો ના, તો પછી શું? તમારા મનમાં ગાયક, અભિનેતા, લેખક, પત્રકાર, ચિત્રકાર, સામાજિક કાર્યકર, એડ્મેન, સ્પોર્ટ્સમેન બનવાની ખ્વાહિશ હતી, રાઇટ? એ બધું જસ્ટ એમ જ હતું? ખાલી હોબી? ફાઇન. જે પ્રવૃત્તિ તરફ દિલ ખેંચાયા કરે છે એને માત્ર શોખ પૂરતી મર્યાદિત રાખવાની છે, એને આજીવિકાનું સાધન નથી બનાવવાની - એટલી વૈચારિક સ્પષ્ટતા થઇ ગઇ હોય તો એ પણ ઘણું છે.


સરળ નથી હોતું આ પ્રકારનાં તારણો પર આવવાનું. મનની વૃત્તિઓની તીવ્રતા કેટલી જેન્યુઇન છે એ સમજવામાં ઘણી વાર વર્ષો નીકળી જતાં હોય છે. દિલ અમુક બાબતો તરફ શું ઉત્કટ લગાવને કારણે ખેંચાઇ રહ્યું છે કે પછી વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવાની દાનત અને ત્રેવડ નથી એટલે અહીંથી ભાગી છૂટવા માટે મન ધમપછાડા કરી રહ્યું છે? હું જેને અંતરાત્માનો અવાજ ગણું છું એ સાચેસાચ અંતરાત્માનો જ અવાજ છે કે પછી અધમ પલાયનવૃત્તિ મને ભરમાવી રહી છે? શી રીતે નક્કી થાય આ બધું? અનુભવોથી, માત્ર ઘવાઇને, ચોટ ખાઇને મેળવેલા જાત અનુભવોથી.


હવે પછીના દાયકાઓ કરતાં આ વર્ષોમાં શક્ય હોય એટલું વધારે લોહીલુહાણ થઇ જવાય એટલું સારું, કારણ કે શરીર અને મન અત્યારે સૌથી વધારે યુવાન છે. ભાંગતૂટ થયા પછી પાછાં સાજાનરવાં થવાની અને પરિસ્થિતિને નવેસરથી ગોઠવી શકવાની સંભાવના અત્યારે વધુમાં વધુ છે. એકવીસથી ત્રીસ વર્ષના ગાળાનું સૌથી ઉત્તમ પાસું એ છે કે તે તમને તકો આપે છે. ભૂલો કરવાની અને ભૂલો સુધારવાની તકો. પહેલો ચાન્સ, બીજો ચાન્સ, ત્રીજો ચાન્સ, કદાચ ચોથો ચાન્સ... આટલી ઉદારતા જીવનના બીજા કોઇ દાયકા પાસે નથી.


બધા જુવાનિયા કંઇ તીવ્ર ગમા-અણગમા ધરાવતા નથી હોતા. ઘણાખરા યુવાનો - ખરેખર સારા, કાબેલ અને બુદ્ધિશાળી યુવાનો પણ - પેલા કહ્યાગરા પાણી જેવા હોય છે. અત્યાર સુધીની સાહજિક ગતિ એમને જે ક્ષેત્રમાં ઢાળશે તેવો આકાર તેઓ ધારણ કરી લેશે. ગુડ ફોર ધેમ.


સંબંધોનાં ઘણાં ખરાં સત્યોનો સામનો પણ એકવીસથી ત્રીસના દાયકામાં નથી જઇ જતો શું? સંબંધોનાં વિરોધાભાસી સત્યોનો? ધક્કા સાથે અથવા તો ધીમે ધીમે સમજાય છે કે છિદ્રો વગરના સંબંધોની શોધમાં ધમપછાડા કરવા કેટલા અર્થહીન છે. સમજાય છે કે પ્રેમ વિશે બહુ પિષ્ટપિંજણ કરવાની ન હોય, બલકે પ્રેમની ક્ષણોને માત્ર નિતાંતપણે માણવાની હોય. સમજાય છે કે નિષ્ક્રિય સહૃદયતા અને નિષ્ક્રિય આત્મીયતા ફ્લાવરવાઝમાં ગોઠવાયેલાં કૃત્રિમ ફૂલો જેટલી જ નકામી છે.


સમજાય છે કે મારું ચિંતન એ મારું વાસ્તવ નથી, મારું મનન એ મારું વ્યક્તિત્વ નથી. ત્રીસીમાં એક નવી અંગત એમ્બિશન આકાર લેવા માંડે છે: સંવેદનહીન કે સ્વકેન્દ્રી બન્યા વિના હું મારી જાત પ્રત્યે વફાદાર રહીશ. આ એમ્બિશન પૂરી કરવી કેટલી કિઠન છે એનો અનુભવ હવે પછીનાં વર્ષોમાં સતત થતો રહે છે.


અમૃતા પ્રીતમે એમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’માં લખ્યું છે, ‘પોતાનો ચહેરો જ્યારે પણ પોતાની કિલ્પત પ્રતિમા સાથે મળતો આવવા માંડે છે ત્યારે કિલ્પત પ્રતિમા વધુ સુંદર થઇને દૂર જઇને ઊભી રહે છે. કેવળ એટલું કહી શકું છું કે આખી જિંદગી એની સુધી પહોંચવા મથતી રહી છું.’ આ વાત આપણને સૌને લાગુ નથી પડતી શું? વીસ અને ત્રીસના દાયકાઓમાં ખાસ. આયુષ્યનો નવો દાયકો શરૂ થવાનો હોય ત્યારે એની ધાર પર ઊભા રહેતી વખતે મિશ્ર અનુભૂતિ થાય. ‘સો? જીવનના ત્રણ/ચાર/પાંચ દાયકા પૂરા કરી નાખ્યાં, હં?’ અંદરથી એક અવાજ ઊઠે છે. આશ્ચર્ય, ધરપત, સલામતી, અસલામતી, વ્યંગ્ય, પૃચ્છા, ઉઘરાણી - આ બધું જ હોય આ અવાજમાં. ‘નોટ બેડ...’ બીજા ખૂણેથી કોઈ આશ્વસ્ત કરે. એક ઝાંખી ઝાંખી સ્વપ્રતિમા દૂર દૂર દેખાય, પણ દૂરબીન વડે તાકીને એ પ્રતિમાની એકેએક રેખાને ધારીધારીને જોવાનું મન થાય, ન પણ થાય.


માણસ વીસીમાંથી ત્રીસીમાં, ત્રીસીમાંથી ચાળીસીમાં કે ચાળીસીમાંથી વનપ્રવેશ કરે ત્યારે શું શું સાથે લઇ જઈ શકે પોતાની સાથે? ઘણું બધું. શું શું પાછળ છોડી દેવાનું હોય? ઘણું બધું. તર્ક, સતત ખુલ્લાં રહેતાં આંખ-કાન અને ભૂતકાળના નકારાત્મક અનુભવોના પડછાયા વચ્ચે પણ પેલી મુગ્ધતા હજુ ટકી રહી હોય તો એ સુખદ આશ્ચર્ય આપ્યા કરશે. ઘણુંય એવું અમૂલ્ય હશે જે અનેક આઘાતો પછી પણ અકબંધ રહ્યું હશે.


જીવનના આખરી બિંદુ સુધી એ યથાવત્ રહેશે એવો વિશ્વાસ પણ જન્મી ચૂકયો હોય. હજુય શેખચલ્લી બન્યા વિના સપનાં જોઈ શકાય છે. હજુય નવી ક્ષિતિજો તરફ કદમ માંડવાનાં જોશ અને હિંમત અનુભવી શકાય છે. ઓહો, હજુ તો ત્રીસ/ચાળીસ/પચાસ જ થયાં. ઘણો સમય છે હાથમાં. દીકરા-દીકરીને પરણાવીને સેટલ કરવા તે પણ એક મહત્વાકાંક્ષા હોઈ શકે છે. પૌત્ર-પૌત્રીને રમાડયા પછી જ મરવું છે- આવી ઈરછાને શું કહીશું: મહત્વાકાંક્ષા કે મોહમાયાની માયાજાળ?


શું એમ્બિશિયસ હોવું હંમેશાં ઈચ્છનીય છે? મહત્વાકાંક્ષા જીવનની ગાડી ચલાવતું સૌથી મહત્વનું ઈંધણ છે એવું કોણે કહ્યું? આ ઈંધણ ન પુરાય એટલે ગાડી અનિવાર્યપણે ઊભી રહી જ જાય? ઓશો કહે છે, ‘જો તમે એમ્બિશિયસ હશો તો તમારું દિમાગ સતત રેસ્ટલેસ રહેશે, તમે સતત અજંપો અનુભવશો. જો તમને શાંતિ જોઈતી હોય તો સૌથી પહેલાં તો મહત્વાકાંક્ષાઓમાંથી મુકત થઈ જાઓ. જયાં સુધી તમે તમારી એમ્બિશન્સને ઓગાળશો નહીં ત્યાં સુધી જીવને ચેન નહીં પડે.’


દુનિયાભરમાં કરોડોની સંખ્યામાં વેચાતી સેલ્ફહેલ્પ બુક્સ અને સેમિનારો ગજાવતા મોટિવેશનલ સ્પીકર્સના ફુગ્ગામાંથી હવા કાઢી નાખે એવી ઓશોની આ વાત છે. ઓશો તો મહત્વાકાંક્ષા ધરાવવી અને તેની પૂર્તિ કરવાની આખી પ્રક્રિયાને ‘ઈગો ટિ્રપ’ કહે છે. એ કહે છે કે એમ્બિશન ધરાવવી એટલે તમારા અહ્મ અથવો તો ઈગોનું સર્જન કરવું અને માણસમાં એક વાર ઈગો આવે એટલે એનો કેસ ખલાસ થઈ ગયો તેમ સમજવું!ઓશોની આ આત્યંતિક લાગતી થિયરી હાલ પુરતી એક બાજુ મૂકીએ અને છેલ્લે ફરી એક સવાલનો જવાબ આપીએ:


શું મહત્વાકાંક્ષાને કારણે હું વધુ પોઝિટિવિટી ફીલ કરું છું, વધારે ફોકસ્ડ રહી શકું છું, જીવન વધારે જીવવા જેવું લાગે છે? આનો જવાબ ‘હા, એકદમ’ ‘ના, જરાય નહીં’ કે ‘સમજાતું નથી’- આ ત્રણમાંથી કોઈપણ એક હોઈ શકે. જો ‘હા, એકદમ’ જવાબ લાગુ પડતો હોય તો કોન્ગ્રેચ્યુલેશન્સ... આપણે આડુંઅવળું કશુંય વિચારવાની જરૂર નથી, આપણે સાચા રસ્તા પર જ છીએ. બીજા અને ત્રીજા વિકલ્પવાળાઓએ મહત્વાકાંક્ષા વિશે વિચારવાની જરૂર નથી, કારણ કે જીવનને અર્થપૂર્ણ બનાવવાના બીજાં માઘ્યમો તેમણે ઓલરેડી શોધી રાખ્યાં છે.

સફળતાના ૭ નિયમ

 
 
 

વિશુદ્ધ સામર્થ્યનો નિયમ


જે જીવંત છે, તે ચેતનાસભર છે. જે ચેતનવંતું છે તેમાં ભરપૂર સામર્થ્યની એક પાતાળગંગા વહી રહી છે. આ પાતાળગંગા જ પ્રત્યેક સંભાવના અને સર્જનાત્મકતાની ગંગોત્રી છે. આપણો સ્વભાવ પણ આ સામર્થ્યનો જ એક ભાગ છે.


નિયમપાલન: - હું દરરોજ થોડો સમય મૌન રહીને આ સામર્થ્યને ખોળી કાઢવાનો પ્રયત્ન કરીશ. - હું દરરોજ પ્રકૃતિ સાથે સંબંધ પ્રસ્થાપિત કરીશ અને દરેક જીવની બૌદ્ધિક ક્ષમતાનું ચૂપચાપ અવલોકન કરીશ. - આ નિર્ણયાત્મકતાની સ્થિતિનો અભ્યાસ કરીશ.


આપવાનો નિયમ


આ બ્રહ્માંડમાં કંઇ પણ સ્થિર નથી. આપણું શરીર બ્રહ્માંડની સાથોસાથ નિરંતર ગતિશીલ છે. જીવનના અસ્તિત્વ માટે આવશ્યક તત્ત્વો અને શક્તિઓનું સંતુલન જરૂરી છે.


નિયમપાલન: - હું ગમે ત્યાં જઇશ, જેને પણ મળીશ, સૌને કંઇકને કંઇક ભેટ અવશ્ય આપીશ. - આજે પ્રકૃતિ મને જે ઉપહારો આપશે તેને પ્રસન્નાતાથી સ્વીકારીશ. - જીવનના આ કિંમતી ઉપહારોના બદલામાં હું ધનનો સંચાર કરતો રહીશ.


કાર્ય અને કારણનો નિયમ


કર્મમાં કાર્ય અને તેનું પરિણામ. બન્નો સામેલ છે. આપણાં પ્રત્યેક કર્મમાંથી ઊર્જા પ્રાપ્ત થાય છે, તેના બદલામાં એવું જ ફળ મળે છે.


નિયમપાલન: - હું પ્રત્યેક પસંદગીનો સાક્ષી બની રહીશ. - જાતને બે સવાલ અવશ્ય પૂછીશ - મારી આ પસંદગીના પરિણામ શું હશે? આ પસંદગી લાભપ્રદ બની રહેશે? - મન પાસેથી માર્ગદર્શન માગીશ.


અલ્પ પ્રયાસનો નિયમ


આ નિયમ પ્રેમ અને સમન્વયનો નિયમ છે. પ્રકૃતિ સરળતા અને સ્વતંત્રતાથી ચાલે છે, જ્યારે આપણે પ્રકૃતિ પાસેથી આ પાઠ શીખશું ત્યારે ઇચ્છાઓ પરિપૂર્ણ થવા લાગે છે.


નિયમપાલન: - આવનારી દરેક ચીજોને હું યથાતથ સ્વીકારી લઇશ, જેને હું સમસ્યા ગણતો હતો, તેની જવાબદારી પણ જાત પર લઇશ. - દરેક વિચારો માટે મારી જાતને મુકત રાખીશ.


ઉદ્દેશ અને ઇચ્છાનો નિયમ


પ્રકૃતિમાં ઊર્જા અને જ્ઞાન સર્વત્ર વિખરાયેલાં છે. કવોન્ટમ ક્ષેત્રમાં ઉર્જા અને જ્ઞાન સિવાય કશાનું અસ્તિત્વ નથી. આ કવોન્ટમ ક્ષેત્ર ઉદ્દેશ્ય અને ઇચ્છાથી પ્રભાવિત થાય છે.


નિયમપાલન: -મારી તમામ ઇચ્છાઓની યાદી બનાવીશ. - આ ઇચ્છાઓને હું પ્રકૃતિને હવાલે કરી દઇશ. - મારાં પ્રત્યેક કર્મમાં વર્તમાન પ્રત્યે સતર્ક રહીશ.


અનાસક્તિનો નિયમ


કંઇ પણ મેળવવા માટે પહેલા તો તેનો મોહ ત્યાગવો પડશે.પરિણામ પ્રત્યેની આસક્તિ ત્યજવી પડશે.


નિયમ પાલન: - આજે હું અનાસક્ત રહીશ.-અનિશ્વિતતાને અનુભવ માટે આવશ્યક ગણીશ.-શક્યતાઓમાં આનંદ પામીશ.


ધર્મ કે જીવનના ઉદ્દેશ્યનો નિયમ


તમારામાં અસાધારણ યોગ્યતા છે અને તેને વ્યક્ત કરવાની રીત પણ અનોખી છે, જ્યારે આવશ્યકતા અને રચનાત્મકતાની અભિવ્યક્તિનો સમન્વય થાય છે, ત્યારે જ સુખ - સમૃદ્ધિનો જન્મ થાય છે.


નિયમપાલન: - હું આત્મા પર ઘ્યાન કેન્દ્રિત કરીશ. - મારી અસાધારણ યોગ્યતાઓની યાદી તૈયાર કરીશ. એ પછી શું કરવું જોઇએ તેની પણ યાદી તૈયાર કરીશ. - દરરોજ જાતને પૂછીશ કે હું અન્યની મદદ કઇ રીતે કરી શકું?