current

ઉમા-જશવંતનું પુનરાગમન


ગડની યોજના ભાજપને પુન: હિન્દુત્વ તરફ લઇ જવાની છે. મધ્યમવર્ગની મતબેંકને સાથે રાખવાની છે. ભાજપની છાપ મુસ્લિમવિરોધી ન બને એવી તકેદારી રાખવાની છે અને ભાજપ વિકાસને વરેલી છે એ વાત ઉપસાવવાની છે. મધ્યમવર્ગને રાજી રાખવા ગડકરીએ મોંઘવારી સામેનું આંદોલન આદર્યું છે.

બડે બે આબરૂ હોકર નીકલે થે તેરે કૂચે સે.. જશવંતસિંઘ અને ઉમા ભારતીની ભાજપમાંથી અપમાનજનક રીતે હકાલપટ્ટી કરાઇ હતી. શું આ બન્ને મહાનુભાવો પુન: ભાજપમાં પાછા આવશે? ભાઇને કોઇ દેતું નથી અને બહેનને કોઇ લેતું નથી એવો આ ઘાટ છે. ઘીના ઠામમાં ઘી પડે તો નવાઇ પામવા જેવું નથી. જશવંતસિંઘ અને ઉમા ભારતી બાદ કલ્યાણસિંઘથી માંડીને ગોવિંદાચાર્ય સહિત સંખ્યાબંધ નેતાઓ વારા પછી વારો, તારા પછી મારો... એમ લાઇનમાં છે. સંઘ અને ભાજપની ગળથૂથીમાંથી નીકળનાર નેતાઓને કોંગ્રેસમાં ગૂંગળામણ થાય એ સ્વાભાવિક છે. રામ જેઠમલાણીએ ભાજપ છોડી નવો પક્ષ રચ્યો ત્યારે ભાજપને ભાંડવામાં કોઇ કસર નહોતી છોડી છતાં આજે જેઠમલાણી પુન: રાજ્યસભામાં ભાજપની ટિકિટ લઇ પહોંચી ચૂક્યા છે.

કલ્યાણસિંઘે ભાજપ છોડ્યું ત્યારે વાજપેયીને ભૂલક્કડ અને પિયક્કડ પ્રાઇમમિનિસ્ટર કહીને ખૂબ મજાક ઉડાવી હતી પરંતુ ચૂંટણી ટાણે નાક લીટી તાણીને કલ્યાણસિંઘ માટે લાલ જાજમ બિછાવવામાં આવી હતી. કલ્યાણ પાછા રિસાયા અને ભાજપમાં કદાચ પાછા ફરે તો નવાઇ પામવા જેવું નથી. અલબત્ત, એક બાબત છેલ્લાં ૫૦ વર્ષના ઈતિહાસમાં સ્પષ્ટ છે કે પક્ષ મહાન છે, વ્યક્તિ નહીં. બલરાજ મધોક જેવા કદાવર નેતા જનસંઘ છોડ્યા બાદ ઝીરો થઇ ગયા હતા. દિલ્હીમાં મદનલાલ ખુરાના એટલે ભાજપનો પર્યાય એમ મનાતું હતું પરંતુ ખુરાના ક્યાં ખોવાઇ ગયા એનો પત્તો પણ લાગ્યો નહીં.

ઉમા ભારતી મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી બન્યાં ત્યારે એવા વહેમમાં આવી ગયાં હતાં કે તેમની વ્યક્તિ પ્રતિભાને કારણે ભાજપ જીત્યું છે. ઉમાને મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું અને તેમણે બળવો કર્યો ત્યારે સમ ખાવા પૂરતા પાંચ ધારાસભ્યો પણ તેમની સાથે હોલ છોડવા તૈયાર નહોતા. સમય સમય બળવાન છે. અડવાણીને પાકિસ્તાનની યાત્રા ફળી નહોતી. જિન્હાકાંડના ભૂતને પગલે અડવાણીને અંતે ભાજપનું પ્રમુખપદ છોડવું પડ્યું ત્યારે કોઇ સમર્થક નેતા અડવાણીના બંગલે જવા તૈયાર નહોતા. જશવંતસિંઘે પોતાના પુસ્તકમાં જિન્હાનાં વખાણ કર્યા ત્યારે અંગત મિત્ર હોવા છતાં અડવાણી જશવંતને બચાવી શક્યા નહોતા.

જશવંતસિંઘને અપમાનજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું. મુખ્યમંત્રી રહેલાં ઉમા ભારતી અને કલ્યાણસિંઘે નવી પાર્ટીઓ રચી પરંતુ કાંઇ ઝાઝું ઉકાળી ન શક્યાં. ઉમા ભારતી ખુદ વિધાનસભાની ચૂંટણી હારી ગયાં હતાં. જશવંતસિંઘ ભાજપના શીર્ષસ્થ નેતા હોવાનો દાવો કરતા હતા પરંતુ લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાંથી જીતવાની સંભાવના ન જણાતાં પૂર્વોત્તર રાજ્ય સિક્કીમમાં આવેલા શ્ચસુરગૃહની મદદથી ચૂંટણી જીત્યા હતા. પક્ષ વિના આ તમામ નેતાઓ અધૂરા છે. ભાજપને પણ આ નેતાઓનો ખપ છે. નીતિન ગડકરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પક્ષમાંથી નકારાત્મકતા દૂર કરવા જૂના જોગીઓને પાછા લેવાની વ્યૂહરચના અપનાવી છે.

નીતિન ગડકરી કદાચ એક રાજકીય જુગાર ખેલવાના મૂડમાં છે. ઉમા ભારતીને પુન: ભાજપમાં પ્રવેશ આપવા સામે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે નારાજગી વ્યક્ત કરી છે. ગડકરીની યોજના ઉમા ભારતીનો ઉપયોગ ઉત્તરપ્રદેશમાં કરવાની છે. ઉમા ભારતી મૂળ બુંદેલખંડનાં છે અર્થાત્ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશનો એ સરહદી વિસ્તાર છે પરંતુ ઉમા ભારતીની જ્ઞાતિના લોંઢ લોકોનો મોટો સમુદાય ઉત્તરપ્રદેશમાં છે. ઉમા ભારતીની ઉત્તરપ્રદેશમાં ઓબીસી નેતા તરીકે સ્વીકૃતિ છે. ઉમા ભારતીની પાસે હિન્દુત્વનું બેનર છે. નારીવાદના પ્રતીક સમાન છે. દલિત અને અતિદલિત વર્ગમાં ચાહના ધરાવે છે. સામા પક્ષે ભાજપ પાસે ઉત્તરપ્રદેશમાં કોઇ સ્પષ્ટ ચહેરો નથી.

કોંગ્રેસનું કલ્ચર ચહેરો પ્રોજેક્ટ કર્યા વિના ચૂંટણી જીતવાનું છે. ભાજપમાં ચહેરા પર ચૂંટણી લડાય છે. ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ નરેન્દ્ર મોદી ભાવિ મુખ્યમંત્રી છે એવી જાહેરાત રાષ્ટ્રીય પ્રમુખ કરી દે છે, પરિણામે પ્રજાને સ્પષ્ટ નેતૃત્વનો અંદાજ આવી જાય છે. ઉત્તરપ્રદેશમાં માયાવતી સામે ઝીંક લેવામાં કલ્યાણસિંઘ અને રાજનાથસિંઘ નિષ્ફળ સાબિત થયા છે. રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશમાં ખાસ્સી મહેનત કરી રહ્યા છે. ગત ચૂંટણીમાં માયાવતી અને મુલાયમ બાદ કોંગ્રેસનો દેખાવ ભાજપ કરતાં સારો રહ્યો હતો.

ભાજપે ઉત્તરપ્રદેશમાં એકલા હાથે ભગવો લહેરાવ્યો હતો પરંતુ આજે ભાજપ ત્યાં ચોથા નંબરના રાજકીય પક્ષ તરીકેનું સ્થાન ધરાવે છે. રાહુલ ગાંધીએ બુંદેલખંડ માટે વિશેષ રાજકીય પેકેજ આપ્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં ભાજપ જો ઉમા ભારતીને ઉત્તરપ્રદેશમાં એક મહિલા નેતા તરીકે પ્રોજેક્ટ કરે તો માયાવતીને બેશક રાજકીય પડકાર ફેંકવાની વ્યક્તિ પ્રતિભા ઉમા ભારતીમાં છે. ઉમા ભારતીને ઉત્તરપ્રદેશમાં આગળ વધારવાથી ભાજપ માટે વકરો એટલો નફો જેવો ઘાટ છે.

ઉમા ભારતી અને જશવંતસિંઘને પુન: ભાજપમાં પ્રવેશ અપાવવાનું શ્રેય બેશક અડવાણીના ફાળે જશે. અડવાણીએ પદ વિના પણ પક્ષ પરનું પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરવાની તક પ્રાપ્ત કરી લીધી છે. નીતિન ગડકરીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનાવ્યા બાદ સંઘ પરિવારે પોતાની તાકાતનો પરચો આપી દીધો હતો. ગડકરી મૂળ નાગપુરના છે અને સંઘના હેડકવાર્ટરમાં ઊછર્યા છે. ગડકરીની નિયુિકત એ સંઘનો ભાજપ પરનો સ્પષ્ટ વિજય હતો.

ગડકરીએ જ્યારે ભાજપની ધૂરા સંભાળી ત્યારે પક્ષમાં લીડરશિપ અને આઇડેન્ટિટીની (નેતૃત્વ તથા ઓળખ) ક્રાઇસીસ-કટોકટી ચાલતી હતી. ગડકરીએ રાજકીય ડિપ્લોમસીનો પરિચય કરાવી કુનેહપૂર્વક કામ લેવાનું શરૂ કર્યું છે. અડવાણીનું માન-સન્માન જળવાયું પરંતુ વપિક્ષી નેતા તરીકેનું પદ અડવાણીને છોડવું પડ્યું. રાજનાથસિંઘની માફક ગડકરીને વ્યક્તિગત ગમા-અણગમા નથી. ગડકરીએ મેરિટ પર સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીને અનુક્રમે લોકસભા તથા રાજ્યસભાના નેતા બનાવી દીધાં. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને ગડકરીએ સંપૂર્ણ સ્વાયત્તતા આપી છે.

મુખ્યમંત્રીઓની પાઠશાળામાં મોદીને હેડમાસ્તરની ભૂમિકા સોંપનાર ગડકરીએ બિહારમાં નીતિશકુમારની સામે મોદીનો સજજડ બચાવ કર્યો હતો. ગડકરીનું વ્યક્તિત્વ સરળ છે. ગડકરી ભાજપમાં સત્તાનાં કોઇ કેન્દ્રો ઊભાં કરવા ઇચ્છતા નથી. તડ અને ફડ લઇને પોતાની વાત કરે છે પરંતુ રાગ કે દ્વેષ રાખતા નથી. ગડકરીની કોઇ વ્યક્તિગત મહત્વાકાંક્ષા નથી. ગડકરીના પુરોગામી રાજનાથસિંઘ મહત્વાકાંક્ષી હતા એટલું જ નહીં દ્વેષભાવ રાખી અરુણ જેટલી અને નરેન્દ્ર મોદી જેવા નેતાઓને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતા હતા. ગડકરીમાં સાચા અર્થમાં સંઘભાવના છે.

ગડકરી વિચારસરણીને વરેલા સંઘના વફાદાર સૈનિક છે. મોહન ભાગવતથી માંડીને નરેન્દ્ર મોદી જેવા ટોપ લીડર્સ સાથે ગડકરીની વૈચારિક વેવલેન્થ પરફેક્ટ રીતે ગોઠવાઇ ચૂકી છે. ઉમા ભારતી જેવા કટ્ટરવાદી હોય કે જશવંતસિંઘ જેવા ઉદારમતવાદી, ગડકરી બન્ને પ્રકારના લોકોને સાચવી જાણે છે. ગડકરીએ ભાજપના સંગઠનને જોમવંતું જરૂર બનાવ્યું છે. જશવંતસિંઘના માધ્યમથી ગડકરી સંસદમાં ભાજપની રજૂઆત ધારદાર કરવા ઇચ્છે છે. ગડકરી કોઇપણ નેતાના ભૂતકાળને ભૂલવા તૈયાર છે. જશવંતસિંઘ કંદહારમાં ત્રાસવાદીઓને મૂકી આવ્યા હતા કે જિન્હાનો ઉલ્લેખ પુસ્તકમાં હીરો તરીકે કર્યો હતો... એ તમામ બાબતો ગડકરી માટે ગૌણ છે.

પક્ષ સુપ્રીમ છે. ગડકરીની પક્ષપ્રમુખ તરીકેની કદાચ આ સૌથી મોટી સિદ્ધિ છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીને હજી ચાર વર્ષની વાર છે પરંતુ ગડકરીએ પાણી પહેલાં પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે. જે પાણીએ મગ ચડે એ પાણી વાપરો એ ઉક્તિનો આધાર લઇએ તો કહી શકાય કે હિન્દુત્વ વત્તા ઓબીસીની જ્ઞાતિવાદની ગણતરી હાથ ધરીને ઉત્તરપ્રદેશમાં અગલી બારી, બહેન હમારીનો નારો આપવા ગડકરી તત્પર છે. ગડકરી અત્યારે બિહારની ચૂંટણી માટે ગૃહકાર્ય કરી રહ્યા છે. બિહારમાં અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે ભાજપનો મજબૂત ટેકો હોવા છતાં સરકાર માત્ર નીતિશકુમારના નામથી જ ઓળખાતી હતી. ગડકરીએ તાજેતરમાં પટણામાં રાષ્ટ્રીય કારોબારી યોજીને નીતિશકુમારને આંચકો આપ્યો છે.

નરેન્દ્ર મોદી સાથેના પોસ્ટરનો વિરોધ કરનાર નીતિશકુમારે યોજેલા રાત્રીભોજનો બહિષ્કાર કરવાનો નિર્ણય નીતિન ગડકરીનો હતો પરંતુ નીતિશે રાજકીય લાભ ખાટવા કહે છે કે આ વાત મીડિયામાં સમયસર લીક કરી દીધી અને પોતે ‘સેક્યુલર’ છે એવી છાપ ઊભી કરવા પ્રયાસ કર્યો. ગડકરીએ પટણામાં નરેન્દ્ર મોદીને બેટિંગ કરવા મોકળું મેદાન આપ્યું હતું અને નીતિશને દાઝવા પર ડામ ફટકારતા સંકેત આપ્યો હતો કે બિહારની જનતા ઇચ્છે છે માટે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા નરેન્દ્ર મોદી જરૂર આવશે. બિહાર કરતાં ગુજરાતમાં મુસ્લિમોની હાલત વધુ સારી છે એવી જાહેરાત કરીને ભાજપે નીતિશકુમારના સેક્યુલર એજન્ડાની હવા કાઢી નાખી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં નીતિશકુમાર પોતાની તાકાત પર વિધાનસભા ચૂંટણી જીતવા સક્ષમ નથી.

નીતિશકુમાર ઓરિસ્સાના નવીન પટનાયકની માફક એકલા હાથે વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મેળવવા કાબેલ નથી. ભાજપ સાથેના ગજગ્રાહમાં નીતિશકુમારને ગાદી ગુમાવવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે. બિહારમાં મતોનું ધ્રુવીકરણ થાય તો લાલુ પુન: મુખ્યમંત્રી બને એવી સ્થિતિ છે. ગડકરી અને અડવાણી આ વાત સુપેરે જાણે છે એટલે નીતિશકુમારની નારાજગીથી ડરતા નથી.

ગડકરીની યોજના ભાજપને પુન: હિન્દુત્વ તરફ લઇ જવાની છે. મધ્યમવર્ગની મતબેંકને સાથે રાખવાની છે. ભાજપની છાપ મુસ્લિમવિરોધી ન બને એવી તકેદારી રાખવાની છે અને ભાજપ વિકાસને વરેલી છે એ વાત ઉપસાવવાની છે.

મધ્યમવર્ગને રાજી રાખવા ગડકરીએ મોંઘવારી સામેનું આંદોલન આદર્યું છે. ભોપાલકાંડના અન્યાયને નામે ભાજપે પ્રજાની સહાનુભૂતિ જીતવાનો, સોનિયા-રાજીવની ઇમેજને ફટકો મારવાનો તથા સીબીઆઇની નિષ્ફળતા અને રાજકીય દુરુપયોગનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો છે. અલબત્ત, ગડકરીએ અને ભાજપે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે. પડકારો અનેક છે છતાં ગડકરી રાજનાથની સરખામણીમાં વધુ સક્રિય અને પ્રયત્નશીલ છે. શું ગડકરી સફળ થશે? એ તો ‘રામ’ જાણે.

પોઇન્ટ ઓફ વ્યૂ

સેક્યુલરિઝમનો દાવો કરનાર નીતિશકુમાર દંભી છે. ભાજપ સાથે રાજકીય છેડો ફાડવાની નીતિશમાં નૈતિક તાકાત નથી.- લાલુ યાદવ