Saturday, June 26, 2010

ક્યારે, કેવું દેખાવું જોઇએ તે પણ એક કળા છે

સમાજમાં કેટલાય લોકો પ્રતિષ્ઠિત, માન્ય અને ખ્યાતનામ હોય છે. ઘરે આવે છે ત્યારે પોતાના મોટાપણાનો દેખાડો કરે છે. અહીંથી જ ઘરના સભ્યો સાથે તેમનો અણબનાવ શરુ થાય છે.

હાલનો સમય વ્યવસાયિકતા અને મેનેજમેન્ટનો સમય છે, આપણે દરેક ક્ષેત્રમાં પરિસ્થિતિઓને અનુરુપ વ્યવહાર કરવો પડે છે, આપણું અલગ-અલગ રુપ બતાવવું પડે છે. કેટલીકવાર આપણે આપણી જાતને પરિસ્થિતિને અનુરુપ નથી પણ બનાવી શકતા, અસફળતાની કથા અહીંથી જ શરુ થઇ જાય છે. આપણી અંદર ઘણી બધી સંભવનાઓ પડેલી હોય તો પણ તેને જરૂર પડે ત્યારે જ પ્રદર્શિત કરો. આ વાતને હુનુમાનજીના જીવનમાંથી શીખી શકાય છે.

વર્તમાન સમયમાં માણસ એ ભૂલી ગયો છે કે ક્યાં મોટું થવું જોઇએ અને ક્યાં નાનું. સમાજમાં કેટલાય લોકો પ્રતિષ્ઠિત, માન્ય અને ખ્યાતનામ હોય છે. ઘરે આવે છે ત્યારે પોતાના મોટાપણાનો દેખાડો કરે છે. અહીંથી જ ઘરના સભ્યો સાથે તેમનો અણબનાવ શરુ થાય છે. ઘરમાં એકબીજા સાથે સમાનતા પૂર્વક વ્યવહાર કરવો જોઇએ. પણ આવા માણસો તો મોટાને મોટા જ રહે છે. ક્યાં મોટા બનવું અને ક્યાં નાના બનીને રહેવું તે એક કળા છે. આપણા હનુમાનજી આ ક્રિયામાં એકદમ દક્ષ છે. સુંદરકાંડના એક પ્રસંગમાંથી આપણને આ અંગેની શીખ મળે છે. 

અશોકવાટિકામાં હનુમાનજી અને સીતાજીની વચ્ચે ચર્ચા ચાલી રહી હોય છે. તેઓ સીતાજીને ધીરજ રાખવાનું જણાવી રહ્યાં હતાં, પણ સીતાજીનો આત્મવિશ્વાસ પરત આવી રહ્યો ન હતો. ત્યારે હનુમાનજીએ કહ્યું કે મા વિશ્વાસ રાખો પ્રભુ શ્રીરામ આવશે અને આપને લઇ જશે. આમ તો હું આપને અહીંથી લઇ જઇ શકું છું, પણ શ્રીરામની આ અંગે આજ્ઞા નથી. તેઓ વાનરોની સાથે આવશે, રાક્ષસોનો નાશ કરશે અને આપને લઇ જશે. ત્યારે સીતાજીએ કહ્યું કે રાક્ષસો બહુ બળવાન છે અને વાનરો આપની જેમ નાના છે. મને સંદેહ છે કે આપ જે કહો છો તે રીતે કાર્ય પાર પડી શકશે! આટલું સાંભળ્યા બદા તુરંત જ હનુમાનજીએ પોતાના શરીરને વિશાળકાય બનાવી દીધું. હવે સીતાજીના મનમાં વિશ્વાસ આવી ગયો હતો. હનુમાનજી તત્કાળ નાના બની ગયા. તેમને લાગ્યું કે ક્યાંક સીતાજી એમ ન સમજી લે કે હું મારા મોટાપણાનું પ્રદર્શન કરું છું. આગળની જ પંક્તિમાં હનુમાનજીએ સ્પષ્ટ કર્યું – 

સુનુ માતા સાખામૃગ નહિં બલ બદ્ધિ બિલાસ|પ્રભુ પ્રતાપ તે ગરુડહિ ખાઇ પરમ લઘુ બ્યાલ||

એટલે કે, માતા સાંભળો, વાનરોમાં અત્યંત બળ અને બુદ્ધિ નથી હોતી. પરંતુ પ્રભુના પ્રતાપે સાવ નાનો સાપ પણ ગરુડને ખાઇ શકે છે. આ રીતે પોતાની મોટાઇ અને શ્રેષ્ઠતાને જેઓ પરમાત્મા સાથે જોડે છે તેમનામાં અહંકાર નથી આવતો.

No comments:

Post a Comment